ભારત બંધ, પણ મુંબઈ ચાલુ

21 September, 2012 02:23 AM IST  | 

ભારત બંધ, પણ મુંબઈ ચાલુ



સમગ્ર મહારાષ્ટ્રમાં ચાલતા ગણેશોત્સવને કારણે ઈંધણની કિંમતમાં થયેલો વધારો તેમ જ રીટેલમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ને મામલે એનડીએ દ્વારા આપવામાં આવેલા ભારત બંધની મુંબઈમાં પાંખી અસર જોવા મળી હતી. ગણેશોત્સવને કારણે જ શિવસેના તથા એમએનએસ આ બંધમાં નહોતાં જોડાયાં. શહેરના રસ્તાઓ પર રિક્ષા, ટૅક્સી તથા બસો દોડતી જોવા મળતી હતી. સેન્ટ્રલ તથા વેસ્ટર્ન રેલવેની ટ્રેનો પણ નિયમિત રીતે દોડતી હતી. જોકે ડીઝલના ભાવવધારાના વિરોધમાં ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસ દ્વારા ૨૪ કલાક માટે જાહેર કરવામાં આવેલી પ્રતીક હડતાળને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૩ લાખ કરતાં વધુ ટ્રકો ફરતી નહોતી જોવા મળી.કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસબંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

દાદરમાં વિવિધ ટ્રેડ અસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વીરેન શાહે કહ્યું હતું કે શહેરમાં ૧૦,૦૦૦ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધને સમર્થન આપ્યું હતું. રીટેલ, હોલસેલ તથા મૅન્યુફૅક્ચરિંગ પ્રવૃત્તિ મુંબઈમાં બંધ રહેવાને કારણે રાજ્ય સરકારને અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હશે. એવું વીરેન શાહે જણાવ્યું હતું. જોકે શહેરની જ્વેલરી શૉપ્સ સામાન્ય દિવસોની જેમ જ ચાલુ રહી હતી.