pk સામે નવી મુંબઈ, નાગપુર ને સાંગલીમાં પણ ફરિયાદ

25 December, 2014 03:07 AM IST  | 

pk સામે નવી મુંબઈ, નાગપુર ને સાંગલીમાં પણ ફરિયાદ



રાજકુમાર હીરાણીની આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘pk’ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો અને ડાયલૉગ્સ સામે દેશભરનાં હિન્દુ સંગઠનોનો વિરોધ વધી રહ્યો છે. દિલ્હીમાં હિન્દુ લીગલ સેલ પછી હવે હિન્દુ જનજાગૃતિ સમિતિએ પણ ‘pk’ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં નવી મુંબઈ, નાગપુર અને સાંગલીમાં ફરિયાદ નોંધાવી આ ફિલ્મને બૅન કરવાની માગણી કરી છે. હિન્દુ સંગઠનોની ફરિયાદ છે કે આ ફિલ્મથી દેશના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ છે.

હિન્દુ જનજાગરણ સમિતિએ આ ફિલ્મ પર તત્કાળ પ્રતિબંધની માગણી કરતાં જણાવ્યું હતું કે ‘pk’નું વિષયવસ્તુ અત્યંત ઉશ્કેરણીજનક છે અને હિન્દુ કમ્યુનિટીની ધાર્મિક લાગણી દુભાવનારી છે. સમિતિના મહારાષ્ટ્રના કો-ઑર્ડિનેટર સુનીલ ધનવાટે ગઈ કાલે કહ્યું હતું કે અમારા સંગઠને નવી મુંબઈ, નાગપુર અને સાંગલીમાં આ ફિલ્મ અને તેના મેકર્સ વિરુદ્ધ પોલીસ-ફરિયાદો કરી છે.

ફિલ્મ જોયા બાદ નવી મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવનારા સમિતિના ઍક્ટિવિસ્ટ ઉદય ધુરીએ કહ્યું હતું કે આ ફિલ્મમાં હિન્દુ સમાજની પૂજાવિધિઓ અને પરંપરાઓની ખુલ્લેઆમ ટીકા કરવામાં આવી હોવાથી એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

સમિતિએ માગણી કરી હતી કે એક કમ્યુનિટીની ધાર્મિક લાગણીઓ દુભાવીને ધાર્મિક આધારે વિવિધ ગ્રુપ વચ્ચે દુશ્મની પેદા કરવા બદલ આ ફિલ્મના પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર અને આર્ટિસ્ટ સામે કેસ દાખલ કરવો જોઈએ.