કોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ

20 January, 2021 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ

બાળાસાહેબ ઠાકરે

દક્ષિણ મુંબઈના કોલાબામાં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું ૨૩ જાન્યુઆરીએ અનાવરણ કરાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક રહેવાસીઓએ આનો વિરોધ કર્યો હોવાથી એ વિવાદમાં સપડાયું છે. પૂતળા અનાવરણ માટે તમામ મોટા નેતાઓને આમંત્રણ આપી દેવાયું છે. રાજ ઠાકરેને પણ આમંત્રિત કરાયા હોવાથી ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા બાદ બન્ને પિતરાઈ ભાઈ પહેલી વાર એક મંચ પર આવવાની શક્યતા છે.

જોગેશ્વરીમાં આવેલા માતોશ્રી ક્લબ મેદાનમાં બાળાસાહેબ ઠાકરેનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે, જે ૨૩ જાન્યુઆરીએ કોલાબામાં રિગલ સિનેમા અને મ્યુઝિયમના ચોકમાં મૂકવામાં આવશે. આ સ્થળ લોકોના ચાલવા માટેનું છે અને સુપ્રીમ કોર્ટે જાહેર જગ્યાએ પૂતળા મૂકવા સામે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા ચોકમાં પૂતળું મૂકી રહ્યા હોવાથી સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે.

લોકોનો વિરોધ હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રાજ ઠાકરે, વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વિવિધ પ્રધાનોને આ પૂતળા અનાવરણના કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ મોકલ્યું હોવાનું મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું. પાલિકાએ કહ્યું છે કે મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી અને પ્રશાસનની મંજૂરી લઈને જ પૂતળું મુકાઈ રહ્યું છે. પાલિકાએ એવો દાવો પણ કર્યો છે કે ચોકમાં બાળાસાહેબ ઠાકરેનું પૂતળું મૂકવા સામે સ્થાનિક રહેવાસીઓનો કોઈ વિરોધ નથી.

mumbai mumbai news indian politics bal thackeray