થાણેમાં કરાશે સ્થાપિત બાળ ઠાકરેની પ્રતિમા

28 November, 2012 06:52 AM IST  | 

થાણેમાં કરાશે સ્થાપિત બાળ ઠાકરેની પ્રતિમા


સેનાના કૉર્પોરેટરોએ મૂકેલી માગણીઓ બાદ સેનાસુપ્રીમો દ્વારા બાળ ઠાકરેની પ્રતિમા થાણેમાં સ્થાપિત કરવામાં આવશે. બાળ ઠાકરેએ ૧૯૬૬માં શિવસેનાની પાર્ટીની સ્થાપના કરી હતી અને ૧૯૬૯માં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન સત્તા પર આવી હતી. એથી આ સેના શહેરના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. ૧૨ ફૂટની બાળ ઠાકરેની પ્રતિમાની દરખાસ્ત સોમવારે ૧૯ નવેમ્બરે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી. આ દરખાસ્ત તમામ પક્ષો દ્વારા કોઈ પણ પ્રકારના વિરોધ વિના સ્વીકારવામાં આવી હતી. ભૂતપૂર્વ મેયર અશોક વૈતી અને હાઉસના નેતા નરેશ મ્હસ્કેએ ટીએમસી કાર્યાલય નજીક બાળ ઠાકરેની પ્રતિમા મૂકવા માટે અરજી કરી હતી.

ભૂતપૂર્વ મેયર અશોક વૈતીએ કહ્યું હતું કે ‘બાળ ઠાકરે આપણા બધા માટે એક પ્રેરણા બની ગયા છે. આજના યુવાનો અને ભાવિ પેઢીએ પણ તેમનાં કાર્યો વિશે જાણવું જોઈએ. એથી તેમને પણ પ્રેરણા મળે. આ કારણોસર બાળ ઠાકરેની પ્રતિમા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન કાર્યાલય નજીક સ્થાપિત થવી જ જોઈએ.’

નગરસેવક મધુકર પાવશેએ પણ શહેરના આગામી પ્રોજેક્ટો તેમના નામ પર મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોલશેતની સ્ર્પોટ્સ ઇન્સ્ટિટ્યુટ અને કૌસાના સ્ટેડિયમને પણ બાળ ઠાકરેનું નામ આપવામાં આવશે.

વિરોધપક્ષના નેતા હુન્મત જગદાળેએ કહ્યું હતું કે આ પ્રતિમા એવી રીતે રચો કે તેમની સિદ્ધિઓ અને કાર્યો લોકોને જોવા માટે પ્રદર્શિત કરી શકાય. એ સિવાય મ્યુઝિયમમાં પણ એક પ્રતિમા મૂકવાનો વિચાર બેઠકમાં કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં નક્કી થયું હતું કે બાળ ઠાકરેની ૧૨ ફૂટની પ્રતિમા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેડક્વૉર્ટર વિરુદ્ધ આવેલા કચરાલી તળાવ પાસે સ્થાપિત કરવામાં આવશે. સામાન્ય સભાના સભ્યોએ પણ બાળ ઠાકરેના ટુચકાઓ અને તેમના અનુભવો, કથા દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.

કમિશનર આર. એ. રાજીવે પણ બાળ ઠાકરેના વિચારો રાજકીય નેતા વચ્ચે રજૂ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આર. એ. રાજીવ ટીએમસીમાં કમિશનર તરીકે જોડાયા એ પહેલાંની બાળ ઠાકરે સાથેની ૨૦૧૦ની મુલાકાત વિશે પણ કહ્યું હતું.

ટીએમસી = થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન