શિવાજી પાર્ક પરથી કાલે પણ સમાધિ હટાવવામાં ન આવી

18 December, 2012 06:01 AM IST  | 

શિવાજી પાર્ક પરથી કાલે પણ સમાધિ હટાવવામાં ન આવી



શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના નિધનને ગઈ કાલે એક મહિનો પૂરો થયો ત્યારે શિવાજી પાર્ક પર બનાવવામાં આવેલી તેમની કામચલાઉ સમાધિ શિવસૈનિકો દ્વારા જ હટાવવામાં આવશે એવી ચર્ચા હતી. જોકે ગઈ કાલે અનેક શિવસૈનિકો એ સમાધિનાં દર્શન કરવા આવી રહ્યા હોવાથી એને હટાવવામાં નહોતી આવી. એ ઉપરાંત જ્યાં સુધી યોગ્ય વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી એને હટાવવામાં નહીં આવે એવું પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. 

શિવસેના શિવાજી પાર્કમાં જ્યાં બાળ ઠાકરેને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા ત્યાં કાયમી સ્વરૂપે નાનું સ્મારક બનાવવા માગે છે, પણ એ માટે હજી એણે સુધરાઈમાં પ્રસ્તાવ નથી મૂક્યો. આ જ કારણસર શિવસેના હજી એ કામચલાઉ સમાધિ હટાવવા નથી માગતી.

શિવસેનાએ પહેલાં વિચાર્યું હતું કે શિવાજી પાર્કમાં જ શિવાજીના સ્ટૅચ્યુ પાસે બાળ ઠાકરેનું સ્મારક બનાવવામાં આવે, પણ કોસ્ટલ ઝોન રેગ્યુલેશનને કારણે મુશ્કેલીઓ આવતી હોવાથી બાળ ઠાકરેનું સ્મારક માટીનું બનાવવાનું નક્કી થયું હતું. જોકે સુધરાઈએ એ પ્લાન પણ ફગાવી દીધો હતો. સુધરાઈના એક ઑફિસરે કહ્યું હતું કે અમને સ્મારક માટે પ્રસ્ત્ાાવ જ ન મળ્યો હોય તો અમે કઈ રીતે એને મંજૂરી આપીએ? સુધરાઈના ‘જી’ વૉર્ડના એક ઑફિસરે કહ્યું હતું કે ‘સુધરાઈ પાસે વૈકલ્પિક જગ્યાએ સ્મારક બનાવવા માટેની પણ હજી સુધી પરવાનગી માગવામાં નથી આવી. બાળ ઠાકરેના મૃત્યુને એક મહિનો વીતી ગયો હોવા છતાં તેમના કાયમી સ્મારક માટે શિવસેના જગ્યા શોધી શકી નથી એ બહુ આશ્ચર્યજનક લાગે છે.’

શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા ગઈ કાલે મેયર સુનીલ પ્રભુ અને સુધરાઈની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાહુલ શેવાળે બાંદરાના ‘માતોશ્રી’ ગયા હતા. તેમની વચ્ચે આ બાબતે ઔપચારિક ચર્ચા થઈ હોવાનું કહેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે જ્યાં સુધી યોગ્ય વૈકલ્પિક જગ્યા નહીં મળે ત્યાં સુધી શિવસૈનિકો એ સમાધિ હટાવવા તૈયાર નથી.   

૧૭ ડિસેમ્બરે એ સમાધિ હટાવી લેવામાં આવશે એ મુજબનો પત્ર શિવસેનાએ સુધરાઈને આપ્યો હતો, એમ છતાં શિવસેનાના નેતા સદા સરવણકરે કહ્યું હતું કે ‘શિવસૈનિકો સમાધિનાં દર્શન કરી શકે એ માટે એ અત્યારે જ્યાં છે ત્યાં જ રાખવામાં આવશે તેમ જ રાતે ત્યાં ભજન-ર્કીતનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમે વૈકલ્પિક જગ્યા માગી છે અને બહુ જલદી અમને એ જગ્યા આપવામાં આવશે એ પછી અમે સમાધિ હટાવી લઈશું.’