આઝાદી પછી પ્રથમ વાર મુંબઈમાં થયા જાહેર સ્થળે અંતિમ સંસ્કાર

19 November, 2012 03:55 AM IST  | 

આઝાદી પછી પ્રથમ વાર મુંબઈમાં થયા જાહેર સ્થળે અંતિમ સંસ્કાર



ગઈ કાલે સાંજે શિવાજી પાર્કમાં બાળ ઠાકરેના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આઝાદી પછી પહેલી વખત મુંબઈમાં જાહેરમાં કોઈના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોય એવો બનાવ નોંધાયો હતો. મુંબઈપોલીસના ભૂતપૂર્વ કમિશનર જુલિયો રિબેરોએ કહ્યું હતું કે આઝાદી પછી કોઈકના આવી રીતે જાહેરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોય એવો આ પહેલો બનાવ છે. તમામ નાના કે મોટા લોકોની અંતિમ સંસ્કારની વિધિ સ્મશાનમાં જ થતી હોય છે. મુંબઈ માટે આ એક નવી ઘટના હતી.

મુંબઈ સુધરાઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આવવાના હોવાથી આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. હોમ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે લોકોની વિશાળ હાજરીને જોઈને શિવાજી પાર્કમાં અંતિમક્રિયા માટેની પરવાનગી આપવામાં આવી હતી, જેને બાળ ઠાકરે શિવતીર્થ પણ કહેતા હતા. આ વર્ષે ઑગસ્ટ મહિનામાં યુનિયન મિનિસ્ટર તથા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખની અંતિમક્રિયા માટે તેમના વતન લાતુરમાં પણ આવી જ રીતે જાહેરમાં અંતિમક્રિયા માટેની પરવાનગી આપવામાં આવી હતી.