બાળ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને દવા, દુઆ ને અફવા

16 November, 2012 03:39 AM IST  | 

બાળ ઠાકરેના સ્વાસ્થ્યને લઈને દવા, દુઆ ને અફવા



૮૬ વર્ષના શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની તબિયત નાજુક ભલે હોય પણ પોતે હજી આશા છોડી નથી અને શિવસૈનિકોને પણ આશા નહીં છોડવાનું અને સંયમ જાળવી રાખવાનું તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાત્રે માતોશ્રીની બહાર એકઠા થયેલા સેંકડો કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું.

બાળ ઠાકરેની તબિયત પહેલાં કરતાં સુધરી હોવાનું પણ તેમણે કાર્યકર્તાઓને કહેતાં શિવસૈનિકોમાં આનંદ ફેલાયો હતો.

માતોશ્રીમાં ગઈ કાલે બાળ ઠાકરેની તબિયતની પૂછપરછ કરીને બહાર આવેલા સુભાષ દેસાઈએ અગાઉ પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેની તબિયતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમના તરફથી સારવારને  યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. લાખો શિવસૈનિકોની પ્રાર્થનાનું જ આ ફળ છે. શિવસૈનિકો આવો જ સંયમ પાળે એવી અમારી વિનંતી છે.’

શિવસેનાના પ્રવક્તા અને સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘અગાઉ બાળ ઠાકરેની તબિયત સ્થિર હતી અને તેમને આપવામાં આવેલી સારવારને તેઓ યોગ્ય પ્રતિસાદ આપી રહ્યા છે. બુધવારે તેમની તબિયત ક્રિટિકલ થઈ જતાં તેમને લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પણ બુધવાર કરતાં ગઈ કાલે તબિયતમાં સુધારો થયો હોવાથી હવે તેઓ લાઇફ સર્પોટ સિસ્ટમ પર નથી.’

માતોશ્રી પાસેનો રસ્તો બંધ કરી દઈને ટ્રાફિકને બીજા રસ્તે વાળી દેવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પૂર્વનિયોજિત મુંબઈમુલાકાત રદ કરી હતી. મુંબઈ પોલીસે પણ તમામ પોલીસોની રજા રદ કરીને તમામને ફરજ પર જોડાઈ જવાનો આદેશ આપ્યો હતો.