કેટલાક કાર્યક્રમો રદ તો કેટલાક અનિશ્ચિત

17 November, 2012 06:23 AM IST  | 

કેટલાક કાર્યક્રમો રદ તો કેટલાક અનિશ્ચિત

ક્રાય નામની સામાજિક સંસ્થાએ આજથી શરૂ થતા ચિલ્ડ્રન્સ ડે કાર્યક્રમને બુધવારે રાખવાનો નિર્ણય લીધો છે. પોતાની એક ઈ-મેઇલમાં ક્રાયના પબ્લિક રિલેશન્સ કર્મચારીએ કહ્યું હતું કે હાલ મુંબઈમાં પ્રવર્તમાન સ્થિતિને જોતાં ‘ચાઇલ્ડ ઇન યુ’ અભિયાનને ૨૧ નવેમ્બરે રાખવામાં આવ્યું છે. જાણીતા ડિસ્ક જૉકી ગ્રુપ સ્વીડિશ હાઉસ માફિયાના રૉયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબમાં આજે થનારા કાર્યક્રમ બાબતે પણ અનિશ્ચિતતા છે. આ જ પ્રમાણે મુંબઈ યુનિવર્સિટીએ પણ આજે યોજાનારી ટીવાયબીએની એક્ઝામ રદ કરી નથી, પરંતુ સ્ટુડન્ટ્સને વધુ માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઇટ ચકાસતા રહેવાનું જણાવવામાં આવ્યું છે.

સોમવારની છઠપૂજા બાળ ઠાકરેને અર્પણ

એક તરફ સોમવારે આવતી છઠપૂજા નિમિત્તે જુહુ બીચ પર જોરશોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ શિવસેનાસુપ્રીમો બાળ ઠાકરેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એના આયોજક સંસદસભ્ય સંજય નિરુપમે લોકોને અપીલ કરી છે કે આ વર્ષે બધા શ્રદ્ધાળુઓએ છઠનો પહેલો અઘ્ર્ય બાળાસાહેબ ઠાકરેના સ્વાસ્થ્ય માટે અર્પિત કરવો અને ત્યાર બાદ પૂજાપ્રક્રિયા શરૂ કરજો. 

આધ્યાત્મિક ઉપાય


માતોશ્રીની બહાર એક મહારાજે બાળ ઠાકરેના આરોગ્ય માટે હવનકુંડ તૈયાર કર્યો હતો. તસવીર : સુરેશ કે. કે.

શિવસેનાના પ્રચારકની ભેટ


પોતાની મોટરબાઇક પર ૧૩ વર્ષથી શિવસેનાના વિચારોનો પ્રચાર કરતા પુણેના રહેવાસી મોહન યાદવ બાળ ઠાકરેને સ્ર્પોટ્સ કારના શેપવાળો મોબાઇલ ગિફ્ટ કરવા માગે છે. તસવીરો : સુરેશ કે. કે.

વાશી માર્કેટમાં ૬૦૦ને બદલે ૧૧૦ ટ્રક જ આવી

બાળ ઠાકરેની નાદુરસ્ત તબિયતને કારણે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ગઈ કાલે માત્ર ૧૧૦ ટ્રક જ આવી હતી. સામાન્ય સંજોગોમાં દરરોજ ૫૫૦થી ૬૦૦ ટ્રક આવતી હોય છે. ગુરુવારે રાત્રે અસામાજિક તત્વોએ એપીએમસીમાં હંગામો કરતાં વેપારીઓએ ખેડૂતોને તેમની ખેતપેદાશો માર્કેટમાં ન મોકલવાની સૂચના આપી હતી. હંગામાને કારણે અગાઉ આવેલાં શાકભાજીનું વેચાણ પણ થયું નહોતું એટલે એ બગડે નહીં એ માટે પણ ખેડૂતોને તેમની ખેતપેદાશોને ન મોકલવા કહ્યું હતું. જોકે માત્ર ૧૧૦ જેટલી ટ્રક ભરીને જ શાકભાજી આવી હોવા છતાંય રીટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ સ્થિર રહ્યા છે.

હેરડ્રેસર પણ માતોશ્રીમાં 

બાળ ઠાકરેના હેરડ્રેસર શિવારામા ભંડારીએ ગઈ કાલે બાળ ઠાકરેને મળી તેમના માતોશ્રી બંગલામાંથી બહાર આવતાંની સાથે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે બાળાસાહેબની તબિયતમાં ઘણો સુધારો છે. તેમણે મારી સાથે ગુરુવારે વાત પણ કરી હતી. હું છેલ્લાં પાંચ વર્ષથી તેમના વાળ કાપું છું. ગયા ગુરુવારે પણ મેં તેમના વાળ કાપ્યા હતા અને દાઢી ટ્રિમ કરી હતી.’

ક્રાય = ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ

ટીવાયબીએ  = થર્ડ યર બૅચલર ઑફ આટ્ર્‍સ

એપીએમસી = ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી

તસવીર : સમીર માર્કેન્ડે