સુષમા સ્વરાજ વડા પ્રધાન બનવાયોગ્ય : બાળ ઠાકરે

10 September, 2012 06:01 AM IST  | 

સુષમા સ્વરાજ વડા પ્રધાન બનવાયોગ્ય : બાળ ઠાકરે



શિવસેનાના અખબાર ‘સામના’માં પોતાના ઇન્ટરવ્યુમાં બાળ ઠાકરેએ વડા પ્રધાન માટે બીજેપીનાં નેતા સુષમા સ્વરાજને દાવેદાર ગણાવ્યાં હતાં અને કૉન્ગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ વેરવૃત્તિવાળું રાજકારણ કરે છે. બાબા રામદેવ તેમની વિરુદ્ધમાં ગયા તો તેમની સામે તપાસ શરૂ કરાવી દીધી. ચિદમ્બરમ, સોનિયા ગાંધી, રૉબર્ટ વડરા અને અહમદ પટેલ વગેરેના હાથ શું સ્વચ્છ છે? કાલે ઊઠીને બીજું કોઈ સત્તા પર આવશે ત્યારે ખબર પડશે.’

દેશના આગામી વડા પ્રધાન બીજેપીના નહીં હોય પણ ત્રીજા અથવા ચોથા મોરચાના હશે એવું લાલકૃષ્ણ અડવાણી શા માટે બોલ્યા એવો સવાલ કરીને બાળ ઠાકરેએ તેમની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ ઉંમરમાં મારાથી નવ મહિના નાના છે એ અધિકારે મને તેમને બોલવાનો અધિકાર છે, પણ તેમના માટે કંઈ પણ બોલવું મને અઘરું પડશે.

 મુલાયમ સિંહ યાદવ, શરદ પવાર, માયાવતી અને જયલલિતા વગેરેને પણ આડે હાથ લેતાં તેમણે કહ્યું હતું કે ‘હાલના નેતાઓ દેશ માટે કંઈ કરતા નથી. તેમને ફક્ત ખુરસી અને ખુરસી જ દેખાય છે. આવા લોકોના હાથમાં દેશનું નેતૃત્વ સોંપી શકાય નહીં.’

હાલના રાજકીય નેતાઓ વિશે ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે પહેલાંના રાજકીય નેતાઓમાં પણ મતભેદ રહેતા. છતાં જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ કે પછી ગોવિંદ વલ્લભ પંતને જોઈને લોકોની ગરદન આદરથી ઝૂકી જતી. આજે પણ લોકોની ગરદન ઝૂકે છે, પણ શરમને લીધે.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી