યેતો... સૂર્યાસ્તની સાથે યુગપુરુષનો અંત

19 November, 2012 03:58 AM IST  | 

યેતો... સૂર્યાસ્તની સાથે યુગપુરુષનો અંત


લાખો સમર્થકો ધરાવતા શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેએ ૧૯૬૬માં જે શિવાજી પાર્ક મેદાનમાં શિવસેનાની સ્થાપના કરી હતી એ જ શિવાજી પાર્ક પર ગઈ કાલે સાંજે તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં સમાઈ ગયો હતો. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો ત્યારે સાંજે ૬.૨૦ વાગ્યે તેમના પુત્ર અને શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તેમને મુખાગ્નિ આપ્યો હતો. એ વખતે લાખો શિવસૈનિકો તેમના નેતાને પંચમહાભૂતમાં વિલીન થતાં જોઈને રડી પડ્યા હતા અને આખું મેદાન સ્તબ્ધ થઈ ગયું હતું.

બાળ ઠાકરે લાંબા સમયથી બીમાર હતા. જોકે મંગળવાર રાતથી તેમની તબિયત લથડી હતી. આ સમાચાર સાંભળીને તેમના સમર્થકો હજારોની સંખ્યામાં તેમના બાંદરાના નિવાસસ્થાન માતોશ્રી સામે એકઠા થવા માંડ્યા હતા. ચાર દિવસ મોત સામે ઝઝૂમેલા બાળ ઠાકરેએ આખરે શનિવારે બપોરે ૩.૩૩ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. માત્ર રાજકીય જ નહીં, ઉદ્યોગજગત અને બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ તેમનાં અંતિમ દર્શન માટે શિવાજી પાર્ક પહોંચી ગઈ હતી. મુંબઈ, થાણે, નવી મુંબઈ અને રાજ્ય તથા દેશના અનેક હિસ્સાઓમાંથી તેમના ચાહકો તેમનાં અંતિમ દર્શન માટે ગઈ કાલે સવારથી જ મુંબઈ આવી પહોંચ્યા હતા. પાંચ લાખ જેટલી જનમેદની ધરાવતી અંતિમયાત્રા પહેલી જ વાર ગઈ કાલે મુંબઈગરાઓએ જોઈ હતી. ‘બાળ ઠાકરે અમર રહો’, ‘બાળ ઠાકરે પાછા આવો’ અને ‘બાળ ઠાકરે એક જ વાઘ’ જેવા સૂત્રોચ્ચાર કરીને તેમના સમર્થકોએ તેમને અંતિમ વિદાય આપીને ગગન ગજાવી મૂક્યું હતું.

આજે મુંબઈમાં બધી સ્કૂલો બંધ રહેશે:

વેપારીઓ તેમ જ જ્વેલર્સ પણ આજે પાળશે બંધ : રીટેલની દુકાનો ખુલ્લી રહેશે : સત્તાવાર કોઈ બંધની જાહેરાત ન હોવાનો શિવસેનાએ કર્યો ખુલાસો

અંતિમ વિદાય

શિવાજી પાર્ક મેદાનમાં પોતાના લોકપ્રિય નેતા બાળ ઠાકરે (જમણે)ને અંતિમ વિદાય આપવા ઊમટી પડેલો માનવસાગર અને તેમની ચિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે વાતાવરણમાં ફેલાઈ ગયેલી ગમગીની અનુભવીશકાતી હતી.



તસવીરો : રાણે આશિષ, નિમેશ દવે અને એએફપી