રાહુલ કે નામ પર દે દે બાબા, આવું બોલાવડાવીને ભીખ મગાવવી જોઈએ : બાળ ઠાકરે

17 November, 2011 05:58 AM IST  | 

રાહુલ કે નામ પર દે દે બાબા, આવું બોલાવડાવીને ભીખ મગાવવી જોઈએ : બાળ ઠાકરે



કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના લોકો મહારાષ્ટ્રમાં કામ માટે ભીખ માગવા જતા હોય છે એવા કરેલા નિવેદન બાદ ગઈ કાલે શિવસેનાના વડા બાળ ઠાકરેએ તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. બાળ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એડિટોરિયલમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર ભારતીયોની વસ્તીએ મુંબઈનો નાશ કર્યો છે, પણ અમારી પાર્ટીએ ક્યારેય તેમને ભિખારી કહ્યા નથી. ઉત્તર ભારતીયો સારીએવી માત્રામાં મુંબઈમાં છે. મહારાષ્ટ્રના વિસ્તારોને તેમણે લકવાગ્રસ્ત કરી દીધા છે તો પણ અમે તેમને ભિખારી કહ્યા નથી. ભૂખ માટે કોઈ જાતિ અથવા તો પ્રદેશ હોતો નથી. ઉત્તર પ્રદેશના કારીગરો દિલ્હીમાં પણ છે અને બીજાં રાજ્યોમાં પણ છે; પરંતુ રાહુલે ફક્ત મહારાષ્ટ્ર અને પંજાબની જ વાત કરી જ્યારે આ રાજ્યો લોકોને આત્મસન્માન અને લડવાની તાકાત આપે છે.’

માયાવતીની સરકાર ભ્રષ્ટ છે અને અકાર્યક્ષમ હોવાને કારણે ઉત્તર ભારતીયોએ બીજાં રાજ્યોમાં જઈને ભીખ માગવી પડે છે એમ રાહુલ ગાંધીએ સોમવારે ઉત્તર પ્રદેશના ફુલપુરમાં એક સભામાં કહ્યું હતું. રાહુલ ગાંધીનું નામ કૉન્ગ્રેસના અધ્યક્ષ અને મનમોહન સિંહની જગ્યાએ ભાવિ વડા પ્રધાન તરીકે લેવામાં આવી રહ્યું છે, પણ આ લલ્લુની એટલી ઓકાત છે? દેશના સૌથી વધુ વડા પ્રધાન કેમ ઉત્તર પ્રદેશે જ આપ્યા છે? પંડિત જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી, વી. પી. સિંહ જેવા દિગ્ગજ વડા પ્રધાન કૉન્ગ્રેસની જ દેણ છે. વી. પી. સિંહ જનતા દળ સરકારના વડા પ્રધાન હતા, પણ તેઓ મૂળ કૉન્ગ્રેસના જ હતા. આને કારણે ઉત્તર પ્રદેશના લોકોને ભીખ માગવાનો વારો આવ્યો છે. તમારા રાજમાં રાજ્ય લૂંટ્યું, તિજોરી લૂંટાઈ, ઉત્તર પ્રદેશના લોકોને માફિયા અને નક્સલવાદી બનાવ્યા; પણ હવે દોષનો ટોપલો બીજા પર ઢોળો છો? રાહુલબાબાની નવી વ્યાખ્યા પરથી અબુ આઝમી અને કૃપાશંકર સિંહ મુંબઈ-મહારાષ્ટ્રના ભિખારી જ છે. તેમની પાસે મુંબઈના રસ્તાઓ પર, ફૂટપાથ પર અને લોકલ ટ્રેનોમાં ‘રાહુલ કે નામ પર દે દે બાબા’ એવું બોલાવડાવીને ભીખ મગાવવી જોઈએ.’