બોરીવલી-ઈસ્ટમાં બાળ ઠાકરેને અપાઈ શ્રદ્ધાંજલિ

23 November, 2012 07:10 AM IST  | 

બોરીવલી-ઈસ્ટમાં બાળ ઠાકરેને અપાઈ શ્રદ્ધાંજલિ



બોરીવલી-ઈસ્ટમાં માગાથાણે તાલુકાના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીની વૉર્ડ-નંબર ૧૦ની નગરસેવિકા રિદ્ધિ ભાસ્કર ખુરસંગે દ્વારા સોમવારે સાંજે નૅશનલ પાર્કની બાજુમાં આવેલા શાંતિવનમાં શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં સાંજે સાતથી દસ વાગ્યા સુધી અંદાજે ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકે મીણબત્તી સળગાવી બાળ ઠાકરેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ગયા શનિવારે બપોરે ૩.૩૩ વાગ્યે શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. દહિસર-ઈસ્ટ અને વેસ્ટ, માગાથાણે, બોરીવલી-વેસ્ટ અને ઈસ્ટ, કાંદિવલી-ઈસ્ટ અને વેસ્ટ વગેરે જગ્યાએ વેપારીઓએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી. જોકે કેટલીક જગ્યાએ શિવસૈનિકોએ દાદાગીરી સાથે દુકાનો બંધ કરાવી હતી તેમ જ ઠેર-ઠેર પોલીસ-બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને રસ્તા પર પોલીસની પૅટ્રોલિંગ માટેની ગાડીઓ ફરતી થઈ ગઈ હતી.

 જોકે બીજા દિવેસ રવિવારે બાળ ઠાકરેના અંતિમ સંસ્કારના દિવસે સમગ્ર મુંબઈમાં બસ, રેલવે, મેડિકલ શૉપ, દૂધની ડેરી વગેરે સિવાય મોટા ભાગે બધું જ બંધ હતું. રસ્તા પર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપતાં બૅનર્સ લાગી ગયાં હતાં. જોકે મોટા ભાગે બધું બંધ હોવાથી સૌથી વધુ તકલીફ રેલવે-સ્ટેશનના ઉતારુઓને થઈ હતી. બોરીવલી-વેસ્ટમાં રાજસ્થાનથી આવેલી એક ફૅમિલીએ કહ્યું હતું કે ‘અમારે બે કલાક સુધી સ્ટેશનની બહાર બેસી રહેવું પડ્યું, કારણ કે રિક્ષા-ટૅક્સી બંધ હતાં. એટલું જ નહીં, રેલવે-સ્ટેશનના સ્ટૉલ પણ બંધ હોવાથી અમને પાણીની બૉટલ પણ મળી નહોતી એટલે અમે વધુ હેરાન થઈ ગયા હતા.’

બાળ ઠાકરેના મૃત્યુથી ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. કેટલાક તો રસ્તા પર મૂકેલા શ્રદ્ધાંજલિના બૅનર પાસે ચંપલ કાઢી બે મિનિટ ઊભા રહી તેમને પ્રણામ કરીને આગળ વધતા હતા.