બાળ ઠાકરેના અસ્થિકળશ દર્શન માટે સેનાભવનમાં મુકાયા

21 November, 2012 05:57 AM IST  | 

બાળ ઠાકરેના અસ્થિકળશ દર્શન માટે સેનાભવનમાં મુકાયા

ગઈ કાલે બપોરે શિવસેનાના કાર્યાધ્યક્ષ અને બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે તેમના પિતાના અસ્થિકળશ દાદરમાં આવેલા સેનાભવનમાં લઈ આવ્યા હતા. રાજ્યમાં ૩૫૧ ઠેકાણે બાળ ઠાકરેના અસ્થિકળશ દર્શન માટે મૂકવામાં આવશે.

શિવસેનાએ આપેલી માહિતી મુજબ બાળ ઠાકરેનાં અસ્થિનું વિસર્જન ગંગા અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓની સાથે જ હરિહરેશ્વર જેવાં પવિત્ર સ્થળોએ કરવામાં આવશે. ગઈ કાલે સેનાભવનમાંથી દેશમાં ૩૫૧ ઠેકાણે મૂકવામાં આવનારા અસ્થિકળશોનું શિવસેનાના જિલ્લાપ્રમુખ તેમ જ ભારતનાં તમામ રાજ્યોના પ્રમુખોને વિતરણ કરવામાં આવ્યું હતું. શિવસૈનિકો આજે અને આવતી કાલે બે દિવસ માટે મુંબઈ-મહારાષ્ટ્ર સહિત ભારતના તમામ શિવસેનાની ઑફિસોમાં અસ્થિકળશનાં દર્શન કરી શકશે. ત્યાર બાદ ૨૩ નવેમ્બરે મુંબઈ-મહારાષ્ટ્ર સહિત હરિહરેશ્વર, નાશિક, હરિદ્વાર, કાશી, કન્યાકુમારી વગેરે સ્થળો પર અસ્થિવિસર્જન કરવામાં આવશે.