બાળ ઠાકરેની અનંત યાત્રાની પળેપળની વિગત

19 November, 2012 04:14 AM IST  | 

બાળ ઠાકરેની અનંત યાત્રાની પળેપળની વિગત


સવારે ૯

શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેનો પાર્થિવ દેહ સવારે ૯ વાગ્યે માતોશ્રીમાંથી અંતિમયાત્રા માટે બહાર લાવવામાં આવ્યો હતો. ભગવાં કપડાંમાં તેમના નશ્વર દેહને વીંટાળવામાં આવ્યો હતો. તેમની ઓળખ બની ગયેલાં કાળા કલરનાં ગૉગલ્સ પણ તેમને પહેરાવવામાં આવ્યાં હતાં. ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને શિવસેના તેમ જ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ સમયે માતોશ્રીમાં હાજર હતા. બાળ ઠાકરેના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાના હોવાથી પોલીસે તેમને માતોશ્રીની બહાર માનવંદના આપી હતી. એ પછી તેમના નશ્વર દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો અને ખુલ્લી ટ્રકમાં તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

સવારે ૯.૩૦

બાળ ઠાકરનાં છેલ્લાં દર્શન કરવા તેમના સમર્થકો હજારોની સંખ્યામાં માતોશ્રી પહોંચી ગયા હતા. તેમનાં દર્શન કરવા તેમણે આંખોમાં આંસુ સાથે હાથ જોડી તેમની એક ઝલક મેળવવા સખત ધક્કામુક્કી કરી હતી. અંતિમયાત્રાની ફૂલોથી સજાવેલી ઓપન ટ્રકમાં તેમના પાર્થિવ દેહ પાસે ઉદ્ધવ ઠાકરે, તેમનાં પત્ની રશ્મિ ઠાકરે, દીકરાઓ આદિત્ય અને તેજસ ઠાકરે, જયદેવ ઠાકરે, રાજ ઠાકરેનાં મમ્મી કુંદાતાઈ ઠાકરે, સ્મિતા ઠાકરે, મિલિંદ નાર્વેકર અને અન્ય નેતાઓ હતાં. એ જ સમયે શિવાજી પાર્કમાં તેમનાં અંતિમ દર્શન કરવા શિવસૈનિકો ત્રણ કિલોમીટર લાંબી લાઇન લગાવીને રાહ જોઈ રહ્યા હતા.  



સવારે ૧૦

શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે બાળ ઠાકરેને કાંધ આપતી વખતે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. તેમના દીકરા આદિત્ય અને તેજસે તેમને સાંત્વન આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમ-જેમ અંતિમયાત્રા આગળ વધતી ગઈ એમ-એમ લાખો લોકોનો બાળ ઠાકરે તરફનો પ્રેમ જોઈને આદિત્ય અને તેજસ પણ ભાંગી પડ્યા હતા અને તેમનાં આંસુ રોકી નહોતા શક્યા. રશ્મિ ઠાકરે પણ રડી પડ્યાં હતાં.

સવારે ૧૦.૩૦

અંતિમયાત્રામાં લાખો શિવસૈનિકો ‘બાળાસાહેબ અમર રહો’ના નારા સાથે સતત આકાશ ગજવી રહ્યા હતા. ઠેર-ઠેર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપતાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં. પ્રચંડ જનસાગરને કારણે અંતિમયાત્રા કીડી વેગે આગળ વધી રહી હતી. બાળ ઠાકરેના પાર્થિવ દેહને જોવા અંતિમયાત્રાના રૂટ પરનાં બન્ને સાઇડનાં મકાનોના રહેવાસીઓ તેમની ગૅલેરી-બારીમાં આવીને ગોઠવાઈ ગયા હતા. બિલ્ડિંગોની અગાસીઓ લોકોથી પૅક થઈ ગઈ હતી. કેટલાક લોકો તો લાઇટના થાંભલા, ઝાડ અને દુકાનોનાં છાપરાં પર પણ ચડી ગયા હતા. 



સવારે ૧૧

ઠાકરેપરિવારના મોટા ભાગના સભ્યો જ્યારે બાળ ઠાકરેના પાર્થિવ શરીર સાથે ટ્રક પર હાજર હતા ત્યારે રાજ ઠાકરે તેમના સમર્થકો સાથે ટ્રકની આગળ ચાલીને અંતિમયાત્રામાં જોડાયા હતા. શિવાજી પાર્ક પરની બધી જ વ્યવસ્થા જોઈને તેઓ સવારે ૮ વાગ્યે માતોશ્રી પહોંચ્યા હતા. ત્યાં પોલીસ-અધિકારીઓ અને મિલિંદ નાર્વેકર સાથે થોડી વાતચીત કરીને અંતિમયાત્રામાં સેનાભવન જવા પગપાળા નીકળ્યાં હતા.

બપોરે ૧

બાળ ઠાકરેની અંતિમયાત્રામાં પગપાળા જઈ રહેલા રાજ ઠાકરે દાદર આવતાં તેમના સમર્થકો સાથે અંતિમયાત્રામાંથી નીકળીને સીધા તેમના ઘરે કૃષ્ણકુંજ ગયા હતા. બાળ ઠાકરેને શિવસેનાના હેડક્વૉર્ટર સેનાભવનમાં લઈ જવાના હોવાથી તેઓ સેનાભવન જઈને કોઈ વિખવાદ ઊભો કરવા નહોતા માગતા. તેઓ સાંજે પાંચ વાગ્યે પાછા શિવાજી પાર્ક પહોંચી ગયા હતા.



બપોરે ૩.૧૫

૧૯૭૭માં બનાવવામાં આવેલા સેનાભવનમાં બાળ ઠાકરેના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અડધો કલાક રાખવામાં આવ્યો હતો, જ્યાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બાળ ઠાકરેને ભગવાન માનતા તેમના લાખો અનુયાયીઓને સંબોધતાં લાગણીવશ બની ગયેલા ઉદ્ધવ ઠાકરેએ બહાર આવીને કહ્યું હતું કે ભગવાનને મંદિરમાં લાવ્યો છું.

બપોરે ૪

બાળ ઠાકરેના નશ્વરદેહને શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો ત્યારે તેમના લાખો સમર્થકોને પોલીસે વિનંતી કરવી પડી હતી કે શિવાજી પાર્ક સુધી પહોંચવા કો-ઑપરેટ કરો, જગ્યા આપો. અનેક મહાનુભાવો શિવાજી પાર્ક પર બાળ ઠાકરેનાં અંતિમ દર્શન કરવા રાહ જોઈ રહ્યા હતા.



સાંજે ૫

અંતિમયાત્રા શિવાજીપાર્ક પહોંચી હતી અને તેમના પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. સામાન્ય શિવસૈનિકો તેમનાં દર્શન કરી શક્યા નહોતા. પૉલિટિકલ, ઉદ્યોગજગત અને બૉલીવુડ સાથે સંકળાયેલા વીવીઆઇપી તથા સેલિબ્રિટીઓએ બાળ ઠાકરેને હાર-ફૂલ ચડાવીને તેમનાં અંતિમ દર્શન કર્યા હતાં અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સહિત પરિવારના અન્ય સભ્યોને સાંત્વના આપી હતી.

સાંજે ૫.૨૦

બાળ ઠાકરેના પાર્થિવ દેહને ચિતા પર મૂકવામાં આવ્યો. ત્યાર બાદ અંતિમવિધિની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને પણ સાથે લીધા હતા. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરીને વિધિ પૂરી કરી હતી. એ વખતે બાળ ઠાકરેના મૃતદેહને તિરંગો ઓઢાડીને રાજકીય સન્માન આપવામાં આવતાં ૨૧ પોલીસની ટુકડીએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા અને બ્યૂગલ વગાડીને સલામી આપી હતી.



સાંજે ૬.૨૦

શિવસેનાપ્રમુખ બાળ ઠકારેને ઉદ્ધવ ઠાકરેએ મુખાગ્નિ આપ્યો હતો. એ વખતે અનેક શિવસૈનિકોની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી હતી. રાજ ઠાકરે પણ પોતાને રોકી નહોતા શક્યા અને તેમની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.