બાળ ઠાકરેને દિગ્ગજોની શ્રદ્ધાંજલિ

18 November, 2012 04:08 AM IST  | 

બાળ ઠાકરેને દિગ્ગજોની શ્રદ્ધાંજલિ


બાળાસાહેબે રાજ્યના રાજકારણમાં મજબૂત નેતૃત્વ સાથે જબરદસ્ત પક્ષ બનાવી શિવસેનાની સ્થાપના કરી હતી.

- વડા પ્રધાન મનમોહન સિંહ

મને એ સાંભળીને ઘણું જ દુ:ખ થયું કે ટાઇગરનું નિધન થયું છે.

- સુષમા સ્વરાજ

૬૫ વર્ષની રાજનીતિમાં ઘણા લોકો સાથે મારો સંપર્ક થયો છે, પણ બાળાસાહેબ ઠાકરે જેવો મહાન માનવ મેં આજ સુધી નથી જોયો. તેમની છાપ રાષ્ટ્ર અને પ્રદેશની રાજનીતિ પર કદી મટે નહીં એવી ઊંડી હતી. રાષ્ટ્રભક્તિમાં તેઓ વિfવાસ કરતા હતા અને કદી ખોટી વાતમાં સમાધાન નહોતા કરતા. તેમના નિધનથી મને ઘણો આઘાત લાગ્યો છે. બાળાસાહેબમાં લીડરશિપના ગુણ હતા અને તેઓ દરેક નાગરિકને માન આપતા હતા.

- બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી

બાળાસાહેબ ઠાકરે અમારા પરિવારની સૌથી મુખ્ય વ્યક્તિ હતા. અમારા માટે તેઓ અટલ બિહારી વાજપેયી સમાન હતા. મારી સાથે તેમનો ઘર જેવો નાતો હતો. મરાઠી માણૂસ માટે તેમનું સૌથી મહત્વનું યોગદાન રહ્યું હતું.

- નીતિન ગડકરી, બીજેપી પ્રમુખ

બાળાસાહેબ ઠાકરેને દેશભક્તિ સાથે કોઈ પણ સમાધાન મંજૂર નહોતું. વ્યક્તિગત રીતે તેઓ અમૂલ્ય હતા. તેમની વિદાયથી અમે માર્ગદર્શક ખોઈ દીધા છે. તેમને હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.

- ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રે એક પીઢ અને અનુભવી નેતા ગુમાવી દીધા છે. બાળાસાહેબ ઠાકરે રાજકારણી, કાર્ટૂનિસ્ટ, સંપાદક તેમ જ કલાપ્રેમી અને વક્તા હતા.

- પૃથ્વીરાજ ચવાણ, મુખ્ય પ્રધાન

બાળાસાહેબ ઠાકરે ઉદાર નેતા હતા. તેમના વિચારો માટે તેઓ કોઈ પણ રાજકીય કિંમત ચૂકવવા તૈયાર રહેતા. મહારાષ્ટ્ર, મરાઠી ભાષા અને મહારાષ્ટ્રિયનોનાં હિત માટે તેઓ લડી લેતા અને એ જ તેમની ખાસિયત હતી. મુંબઈ અને મરાઠીઓની સમસ્યાઓને લઈને અમારી વચ્ચે ઘણી વાર તકરાર થતી, પરંતુ એવા સમયે પણ તેઓ તેમના ટ્રેડમાર્ક ‘ઠાકરે’-ભાષા પર ક્યારેય કાપ નહોતા મૂકતા. તેઓ અમારી ટીકા કરતા હતા ત્યારે એની કિંમત અમારે ચૂકવવી પડતી હતી. સમસ્યા જ્યારે રાષ્ટ્રીય સ્તરની થતી ત્યારે તેઓ ઉદાર વલણ અપનાવવાની ક્ષમતા ધરાવતા હતા. બાળાસાહેબ જેવી શક્તિ દેશના કોઈ પણ નેતા પાસે નથી.

- શરદ પવાર, યુનિયન ઍગ્રિકલ્ચર મિનિસ્ટર અને નૅશનલ કૉન્ગ્રેસ પાર્ટીના પ્રવક્તા

બાળાસાહેબ સાથે મારા ઘણા સારા રિલેશન હતા. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે તેમની સમક્ષ મેં ઘણા સુઝાવ મૂક્યા હતા. તેમણે એનો કદી ઇનકાર કર્યો નહોતો. તેઓ હંમેશાં મને સપોર્ટ કરતા. અમે એકબીજા પર ઘણી ટિપ્પણી કરતા હતા, પણ મારા પર તેમણે કદી વ્યક્તિગતરૂપે ટિપ્પણી કરી નહોતી.

- કેન્દ્રના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે

છેલ્લા થોડા દિવસોમાં હું કલાકો સુધી તેમની બાજુમાં બેઠો હતો. મૃત્યુ સામે તેઓ ઝઝૂમતા હતા. તેમના માટે મેં મનોમન પ્રાર્થના કરી હતી. થોડા કલાકો પહેલાં હું તેમના દેહની બાજુમાં ઊભો હતો. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા છે એ માનવું અત્યંત મુશ્કેલ છે.

- અમિતાભ બચ્ચન

હિન્દુ હૃદયસમ્રાટ, પરમ આદરણીય શ્રી બાળાસાહેબ ઠાકરે આપણને છોડીને અનંતમાં વિલીન થઈ ગયા છે. એ સત્ય છે કે આજે મહારાષ્ટ્ર અનાથ બની ગયું છે.

- લતા મંગેશકર

બાળાસાહેબ ઠાકરે મારા પિતા સમાન હતા. તેમના નિધનથી મને ભારે આઘાત લાગ્યો છે. બાળાસાહેબની પર્સનાલિટી ઘણી સરસ હતી.

રજનીકાંત, ફિલ્મ-ઍક્ટર

બાળાસાહેબની યાદો મુંબઈગરાના હૃદયમાં જીવંત રહેશે. મૃત વ્યક્તિ ત્યાં સુધી મૃત નથી જ્યાં સુધી આપણે તેને ભૂલતા નથી.

- મહેશ ભટ્ટ

બાળાસાહેબ ક્યારેય લોકપ્રિય બનવા માટે રમત રમ્યા નહોતા. તેઓ હંમેશાં સ્પષ્ટવક્તા હતા. તેમના જેવા બહુ ઓછા નેતાઓ આપણી પાસે છે.

- અનુપમ ખેર

હું મૅચ રમવા અમદાવાદ આવ્યો છું. બાળાસાહેબ ઠાકરેનાં અંતિમ દર્શન કરવા નહીં મળે એનો મને અફસોસ રહેશે. મહારાષ્ટ્રમાં સુધારણા લાવવા માટે તેમણે ઘણી મહેનત કરી હતી.

- સચિન તેન્ડુલકર, ટીમ ઇન્ડિયા

રાજકારણમાં બાળાસાહેબ ઠાકરેનું મહત્વનું સ્થાન હતું. તેમના નિધનથી મહારાષ્ટ્રના  રાજકારણનો અંત આવ્યો છે.

- નીતીશકુમાર, બિહારના મુખ્ય

પ્રધાન

બાળાસાહેબ ઠાકરે, તમારી ખોટ જરૂર વર્તાશે. તેમના અવસાનના સમાચાર સાંભળીને દુ:ખ થયું. તેમના પરિવારજનોને મારી સહાનુભૂતિ પાઠવું છું.

- હરભજન સિંહ

મુંબઈ તથા મહારાષ્ટ્રમાં ત્રાડ નાખતો વાઘ ન રહ્યો.

- રોહિત શર્મા

બાળ ઠાકરેના અવસાનને કારણે તેમના પરિવારજનોને હું મારી સહાનુભૂતિ પાઠવું છું. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે.

- ઇન્ડિયન પ્રીમિયર લીગના ચૅરમૅન રાજીવ શુક્લા

ઉદ્યોગજગત પણ નિરાશ

ઉદ્યોગજગતે બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પતાં તેમને ઉદ્યોગોના મિત્ર ગણાવ્યા હતા. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (એચડીએફસી)ના ચૅરમૅન દીપક પારેખે કહ્યું હતું કે ‘લોકોની વિચારસરણી ભલે અલગ હોય, પરંતુ કરિશ્માભર્યા વ્યક્તિત્વને કારણે તમામ લોકો તેમને માટે ભારે આદર રાખતા હતા.’

બજાજ ઑટોના ચૅરમૅન રાહુલ બજાજે કહ્યું હતું કે ‘તેમના મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં કામદારોના પ્રશ્નનો નિવડો લાવવા માટે બાળ ઠાકરેએ મદદ કરી હતી. રાજકીય મત ભલે અલગ હોય, પરંતુ તેમની પાસેથી હું ઘણું શીખ્યો હતો.’

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના ચૅરમૅન આનંદ મહિન્દ્રે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર તેમને માટે હંમેશાં ગર્વનો વિષય રહ્યો હતો. રાજ્યના લોકોને તેમની ખોટ જરૂર સાલશે.’

હીરાનંદાણી કન્સ્ટ્રક્શનના મૅનેજિંગ ડિરેક્ટર નિરંજન હીરાનંદાણીએ કહ્યું હતું કે ‘તેઓ મહારાષ્ટ્ર પ્રગતિ કરે એવું તેઓ હંમેશાં ઇચ્છતા હતા.’