News In Shorts: થાણેમાં ઊજવાયો કૃતજ્ઞતાનો ઉત્સવ બૈલ પોળા

21 August, 2025 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

News In Shorts : લાલબાગચા રાજાનું વિસર્જન-વાહન તૈયાર થઈ રહ્યું છે, ભિવંડીના રસ્તા પરથી કન્ટેનર ટ્રક લપસીને તળાવમાં પડી, ડ્રાઇવર તરીને બહાર આવ્યો, વધુ સમાચાર

થાણેમાં ઊજવાયો કૃતજ્ઞતાનો ઉત્સવ બૈલ પોળા

શ્રાવણ મહિનાની અમાવસ્યા એટલે કે શનિવારે મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં બહુ રંગેચંગે બૈલ પોળા ઉત્સવ મનાવાય છે. પિઠોરી અમાવસ્યાના આ દિવસે ખેતીકામના જિગરી અને મહેનતુ સાથી ગણાતા બળદો પ્રત્યે ખેડૂતો કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ દિવસે ખેડૂતો બળદોને આરામ કરવા દે છે, એમની પૂજા કરે છે, સુંદર શાલ, માળા, ચાંદીના અછોડા પહેરાવીને સજાવે છે. હવે તો ખેતીકામ ન કરતા શહેરીજનો પણ આ દિવસે બળદની શુકનની પૂજા કરે છે. શહેરોમાં મહિલાઓ બળદની માટીની જોડી લાવીને એને શણગારીને પૂજા કરે છે જેથી તેમના ઘરમાં ધનધાન્ય ભરપૂર રહે. ગઈ કાલે થાણેમાં બૈલ પોળા માટે બળદની જોડીની ખરીદી કરતી મહિલાઓ જોવા મળી હતી.

બાળકો માટે દુઆ માગતી મમ્મીઓનું વ્રત

જમ્મુમાં નવજાત માટે દુઆ માગતી મહિલાઓ.

બિકાનેરમાં વાછરડાની પૂજા કરતી મહિલાઓ.

ગઈ કાલે શ્રાવણ મહિનાની વદ બારસ હતી. આ તિથિએ ભારતનાં વિવિધ રાજ્યોમાં બછ બારસ ઊજવાય છે. મૂળે આ વ્રત માતાઓ પોતાના સંતાનની સુખાકારી માટે કરે છે. બિકાનેરમાં માતાઓ ગાય અને એના વાછરડાની પૂજા કરીને દીકરા-દીકરીની સલામતીની મનોકામના કરે છે. જ્યારે જમ્મુમાં આ ઉત્સવ બચ્ચા-દુઆ ફેસ્ટિવલ કહેવાય છે. એમાં જેમના ઘરે એક વર્ષથી નાનું બાળક હોય તેની પૂજા કરવામાં આવે છે અને તેની સલામતીની દુઆ માગવામાં આવે છે.

ભિવંડીના રસ્તા પરથી કન્ટેનર ટ્રક લપસીને તળાવમાં પડી, ડ્રાઇવર તરીને બહાર આવ્યો

ભિવંડી નજીકના એક ગામમાં બુધવારે એક કન્ટેનર ટ્રક રસ્તા પરથી ઊતરી જતાં લપસીને બાજુના નાના તળાવમાં પડી ગઈ હતી. કન્ટેનર જેવી તળાવમાં પડી કે પાણીમાં ડૂબવા માંડી હતી. ડ્રાઇવરને બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ નહોતો બચ્યો ત્યારે તે કન્ટેનરની ઉપર ચડી ગયો હતો. આખી ટ્રક પાણીમાં ડૂબવા માંડી ત્યારે ગભરાયેલા ડ્રાઇવરે તરીને કિનારા સુધી પહોંચી પોતાનો જીવ બચાવ્યો હતો. ડ્રાઇવરે બાદમાં જણાવ્યું હતું કે બાઇક પર સવાર બે લોકોનો જીવ બચાવવા જતાં ટ્રક તળાવમાં સરી પડી હતી.

લાલબાગચા રાજાનું વિસર્જન-વાહન તૈયાર થઈ રહ્યું છે

ગઈ કાલે ગિરગામ ચોપાટી પર લાલબાગચા રાજાની મૂર્તિના વિસર્જન-વાહનને તૈયાર કરવામાં આવી રહ્યું હતું. નાનકડી શિપ જેવું આ ખાસ વાહન હકીકતમાં ઇલેક્ટ્રિસિટીથી ઑપરેટ થતી રાફ્ટ છે જેમાં વચ્ચે એક એવો ભાગ છે જ્યાંથી મૂર્તિને દરિયામાં પધરાવવામાં આવે છે. તસવીર : આશિષ રાજે

નેરુળમાં ઘરનો સ્લૅબ પડતાં મહિલા લોહીલુહાણ

નવી મુંબઈમાં વરસાદની અસર બુધવારે પણ વર્તાઈ હતી. નેરુળના સેક્ટર-૧માં વિઘ્નહર્તા સોસાયટીમાં રહેતી એક મહિલાના ઘરમાં છતનો સ્લૅબ તૂટી પડતાં મહિલા ગંભીર રીતે જખમી થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘરનું માળખું નબળું હતું અને વરસાદને કારણે માળખાને નુકસાન થતાં આ અકસ્માત થયો હતો.

CBD બેલાપુર પાસે ટૅન્કર પલટી જતાં રસ્તા પર ઑઇલ ઢોળાયું

સાયન-પનવેલ હાઇવે પર CBD બેલાપુર નજીક એન્જિન-ઑઇલ લઈને જતા ટૅન્કરનો અકસ્માત થયો હતો. ટૅન્કર પલટી જતાં એમાંથી ઑઇલ લીકેજ થઈને રસ્તા પર વહેવા લાગ્યું હતું.

રશિયન કેમ બોલ્યા?  યલો કાર્ડ પકડો

યુક્રેનમાં ચાલી રહેલી વિમેન્સ સૉકર લીગમાં એક ખેલાડી રમતના મેદાનમાં રશિયન ભાષામાં બોલતી હતી. રેફરીએ તેને રોકીને યલો કાર્ડ પકડાવી દીધું અને કહ્યું, ‘આ યુક્રેનની ચૅમ્પિયનશિપ છે. રશિયન ભાષા નહીં ચાલે, યુક્રેનિયનમાં બોલો.’

shravan festivals mumbai mumbai news news maharashtra maharashtra news