03 April, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બદલાપુરના બેલવલી વિસ્તારમાં ગઈ કાલે સવારના સાડાસાત વાગ્યે ગણેશ કરાળે નામના યુવકે તેના પિતા અનંત કરાળેના પેટમાં ચાકુ મારીને તેમની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. બદલાપુર પોલીસના જણાવ્યા મુજબ અનંત કરાળેનો એક કમર્શિયલ ગાળો છે જે તેમણે ખાન કેટરર્સને ભાડે આપ્યો હતો. પિતા-પુત્ર ગણેશ અને અનંત કરાળે સવારના સમયે આ ગાળામાં ગયા હતા અને તેમણે ખાન કેટરર્સના માણસને બહાર કાઢ્યો હતો. બાદમાં પિતા-પુત્ર ગાળાની પાછળના ભાગમાં વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ગણેશે તેની પાસેનું ચાકુ પિતા અનંતના પેટમાં ઘુસાવી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ થતાં અનંત કરાળેનું બાદમાં મૃત્યુ થયું હતું. પિતા અને પુત્ર વચ્ચે રૂપિયા અને પ્રૉપર્ટી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો એને પગલે પુત્રે પિતાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. હત્યા કરવાના આરોપસર ગણેશ કરાળેની ધરપકડ કરવામાં આવી છે. સગા પુત્રે જ પિતાની સરેઆમ હત્યા કરી હોવાની જાણ થતાં બદલાપુરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.