બદલાપુર એન્કાઉન્ટરની તપાસ પડતી મૂકો : અ​ક્ષય શિંદેનાં માતા-પિતાનો કોર્ટમાં યુ-ટર્ન

07 February, 2025 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે કોર્ટે એની ના પાડીને વધુ સુનાવણી આજ પર મુલતવી રાખી

અ​ક્ષય શિંદે

બદલાપુરની સ્કૂલમાં બે બાળકીઓ પર બળાત્કાર કરવાના આરોપસર પકડાયેલા સ્કૂલના સફાઈ-કર્મચારી અ​ક્ષય શિંદેના પોલીસે કરેલા એન્કાઉન્ટરને તેના પેરન્ટ્સે હાઈ કોર્ટમાં પડકાર્યા બાદ ગઈ કાલે આ જ કોર્ટમાં તેમણે કહ્યું હતું કે હવે અમને આ કેસ આગળ લઈ જવામાં કોઈ રસ ન હોવાથી એની તપાસ પડતી મૂકવી જોઈએ. તળોજા જેલથી અક્ષયને પૂછપરછ માટે બદલાપુર લઈ જવાતો હતો ત્યારે તેનું એન્કાઉન્ટર થયું હતું.

નવાઈની વાત એ છે કે અક્ષય શિંદેના પેરન્ટ્સે કરેલી યાચિકાના આધારે કોર્ટે આ ઘટનાની તપાસ મૅજિસ્ટ્રેટની ટીમને કરવાનો આદેશ આપ્યો હતો. ગયા મહિને મૅજિસ્ટ્રેટની ટીમે પોતાનો રિપોર્ટ કોર્ટને સુપરત કર્યો હતો જેમાં આ એન્કાઉન્ટર બનાવટી હોઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આથી કોર્ટની ડિવિઝન બેન્ચે આ ઘટના સાથે સંકળાયેલા પાંચ પોલીસ-કર્મચારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ મૅટર આટલી આગળ વધી ગયા બાદ હવે અક્ષય શિંદેના પેરન્ટ્સે યુ-ટર્ન લીધો હોવાથી કોર્ટે તેમને પૂછ્યું હતું કે તેઓ કોઈના દબાણમાં આ નિર્ણય લઈ રહ્યાં છે? કોર્ટના આ પ્રશ્નના ઉત્તરમાં અક્ષયનાં માતા-પિતાએ કહ્યું હતું કે ‘અમારા પર કોઈનું દબાણ નથી. અમારી પુત્રવધૂએ બાળકને જન્મ આપ્યો હોવાથી અમારે તેની સારસંભાળ કરવી છે. અમે ભાગદોડ કરી શકીએ એમ ન હોવાથી આ કેસ બંધ કરવા માગીએ છીએ.’

જોકે કોર્ટે કેસ બંધ કરવાની ના પાડીને વધુ સુનાવણી આજ પર રાખી છે. એ પહેલાં કોર્ટે સરકારને પૂછ્યું હતું કે મૅજિસ્ટ્રેટના રિપોર્ટના આધારે તેઓ પાંચ પોલીસ ઑફિસરની સામે FIR દાખલ કરવાના છે કે નહીં? એના જવાબમાં સરકાર વતી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ અમિત દેસાઈએ કહ્યું હતું કે ‘ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) કેસની તપાસ કરી રહ્યો હોવાથી જ્યાં સુધી તમામ ડૉક્યુમેન્ટ્સ અને પુરાવા તેમની પાસે નહીં આવે ત્યાં સુધી FIR કરવો શક્ય ન હોવાથી અત્યારે ઍક્સિડેન્ટલ ડેથ (ADR)નો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે.’

આ સાંભળીને કોર્ટે પૂછ્યું હતું કે તમારી તપાસ ક્યારેય પૂરી થવાની છે ખરી? ત્યાર બાદ કોર્ટે વધુ સુનાવણી આજ પર મુલતવી રાખી હતી.

badlapur Rape Case crime news mumbai crime news news mumbai police mumbai high court crime branch mumbai mumbai news