ભાઇંદરમાં ટ્રેનમાંથી ફેંકાયેલી બાળકી : પોલીસને જોઈએ છે તમારી મદદ

24 November, 2012 07:09 AM IST  | 

ભાઇંદરમાં ટ્રેનમાંથી ફેંકાયેલી બાળકી : પોલીસને જોઈએ છે તમારી મદદ


ભાઈંદરમાં ૧૧ ઑક્ટોબરે મોડી રાતે ચર્ચગેટથી વિરાર જતી ટ્રેન ભાઈંદર રેલવે-સ્ટેશનથી થોડી આગળ ગઈ ત્યારે એક વ્યક્તિએ પ્લાસ્ટિકની થેલીમાં એક દિવસની નવજાત બાળકીને ફેંકી દીધી હતી. ભાઈંદર રેલવે-સ્ટેશનની આગળ આવેલી ખાડીમાં આ થેલી નાખવાનો તે વ્યક્તિનો ઇરાદો હતો, પણ નિશાન ચૂકતાં થેલી ટ્રૅક પર પડી હતી. મોડી રાતે આ થેલીને રેલવેના એક કર્મચારીએ જોતાં તેણે એ વાતની જાણ રેલવે-પોલીસને કરી હતી.

આ કેસને સૉલ્વ કરવા ૬ પોલીસ-અધિકારીઓની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમે બોરીવલીથી વિરાર સુધીની ૩૦ જેટલી હૉસ્પિટલના રેકૉર્ડ તપાસ્યા હોવા છતાં એ કેસ સૉલ્વ કરવામાં નિષ્ફળ રહી હતી. અંતે પોલીસે કેસ સૉલ્વ કરવા જનતાની મદદ લેવી પડી છે. પોલીસે તમામ પોલીસ-સ્ટેશનોમાં બાળકીનો ફોટો લગાવીને લોકોને મદદ કરવા કહ્યું છે.

મુંબઈ રેલવેના ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર એન. એચ. શેખે આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસ સૉલ્વ કરવા અમે અમારી રીતે બધા પ્રયત્નો કર્યા હોવા છતાં કોઈ કડી ન મળતી હોવાથી અંતે અમે લોકોની મદદ લીધી છે. આ કેસ સૉલ્વ કરવો અમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે માનવતાની દૃષ્ટિએ આ એક પાપ છે અને આવો ગુનો કરનારને સજા મળવી જરૂરી છે. હાલમાં અમે પોલીસ-સ્ટેશનોમાં પોસ્ટર લગાડીને લોકોને મદદ કરવા કહ્યું છે. ત્યાર બાદ ઠેકઠેકાણે પોસ્ટરો લગાવવામાં આવશે. આ વિશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.’

ક્યાં જાણ કરશો?


આ બાળકી વિશે કોઈ પણ પ્રકારની માહિતી ધરાવતા હો તો પોલીસને ૯૭૭૩૪૯૮૭૦૩ અને ૯૮૨૧૨૬૦૭૦૫ નંબર પર જાણ કરો.