આસામની આગ આઝાદ મેદાનમાં : હિંસા શા માટે થઈ?

12 August, 2012 08:09 AM IST  | 

આસામની આગ આઝાદ મેદાનમાં : હિંસા શા માટે થઈ?

 

 

 

આઝાદ મેદાનમાં ગઈ કાલે બપોરે થયેલાં હિંસક તોફાનોમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને અનેક લોકોને ઈજા થઈ હતી. એવા કયા સંજોગો સર્જાયા જેને કારણે આસામની હિંસાનો વિરોધ કરવા માટે કાઢવામાં આવેલી રૅલી શહેરમાં હિંસા ફેલાવવાનું નિમિત્ત બની ગઈ એ શોધવા મુંબઈપોલીસ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસની ટીમ આઝાદ મેદાન તરફ જતા રસ્તા પર બેસાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તેમ જ ચૅનલ્સની આઉટડોર બ્રૉડકાસ્ટિંગ વૅન અને પોલીસની વૅનને આગ ચાંપનાર તોફાનીઓની શોધ ચલાવવા માટે મહાનગરપાલિકાની બહાર લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજની ઝીણવટપૂર્વક ચકાસણી કરી રહી છે. આ સિવાય મૅક્ડોનલ્ડ્સ તેમ જ જનરલ પોસ્ટ-ઑફિસ પાસે પણ પ્રાઇવેટ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાને કારણે અહીંના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની પણ તપાસ કરવામાં આવશે.

 

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સતેજ પાટીલે આવી તપાસ ચાલી રહી હોવાની વાતને સમર્થન આપતાં ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આખા રાજ્યમાં પોલીસને હાઈ અલર્ટ પર મૂકી દેવામાં આવી છે. મુંબઈપોલીસે આ ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં એ તપાસ કરીને આની સાથે સંકળાયેલા તમામ પ્રકારના સવાલોના જવાબ આપી શકે એટલી માહિતી મેળવી લેશે.’

 

સતેજ પાટીલે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કોઈ પણ અફવા ન ફેલાવવા માટે તેમ જ લોકોમાં ગભરાટ ફેલાય એવા મેસેજ ફૉર્વર્ડ ન કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું હતું કે લોકો કોઈ અફવાની સચ્ચાઈની ચકાસણી કરવા માગતા હોય અથવા તો કોઈ શંકાસ્પદ ઘટનાની માહિતી આપવા માગતા હોય તો તેમણે નજીકના પોલીસ-સ્ટેશન અથવા તો કન્ટ્રોલ-રૂમનો સંપર્ક કરવો.

 

આ ઘટના વિશે સિનિયર ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ઑફિસરોને લાગે છે કે સ્પેશ્યલ બ્રાન્ચ-૧ના ગુપ્તચરો જેમને માથે સ્થાનિક ઇન્ટેલિજન્સ ભેગી કરવાની જવાબદારી છે તેમણે તેમ જ એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશન દ્વારા સંયુક્તપણે આઝાદ મેદાનમાં જે ટોળું જમા થવાનું હતું એના વિશે પૂરતી માહિતી જમા કરવાની અને તેમના ઉચ્ચ અધિકારીને આ માહિતી આપીને પૂરતા પોલીસ-બંદોબસ્તની વ્યવસ્થા કરવાની જવાબદારી હતી. શહેરની પોલીસે ભૂતકાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હોય એવા બનાવોને ધ્યાનમાં રાખીને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો એને પહોંચી વળવા માટે સજ્જ રહેવું જોઈતું હતું. પોલીસ-બંદોબસ્તના મુદ્દે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સતેજ પાટીલને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે હકારાત્મક જવાબ આપ્યો હતો.

 

નામ ન આપવાની શરતે દક્ષિણ મુંબઈના એક વકીલે આ ઘટના વિશે કહ્યું હતું કે ‘હું મૅક્ડોનલ્ડ્સ તરફ જઈ રહ્યો હતો ત્યારે મારી નજર સામે ૨૦થી ૩૦ વર્ષના યુવાનો લાકડી લઈને આવ્યા અને તેમણે ચાર વાહનોના આગળના કાચ તોડી નાખ્યા. સદ્નસીબે મારા ડ્રાઇવરે મારી કાર સલામત રીતે કાઢી લીધી હતી. જે ટોળાને પોલીસે આઝાદ મેદાન પાસેથી ભગાવી દીધું હતું એ રોડના બીજા છેડા પર ધમાલ મચાવી રહ્યું હતું અને એની નોંધ નજીકમાં જવાબદારી નિભાવી રહેલા પોલીસે પણ લેવાનું યોગ્ય નહોતું સમજ્યું.’

 

શહેરમાં બનેલી આ ઘટના વિશે ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ડૉક્ટર પી. એસ. પસરીચાએ કહ્યું હતું કે ‘શહેરની પોલીસે બહુ સલૂકાઈથી કામ લઈને સારી રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. કોઈ પણ યુનિફૉર્મધારકો માટે ટોળા પર કાબૂ મેળવતી વખતે તેમના તરફથી નિયમોનો ભંગ ન થાય એનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. વળી આ પરિસ્થિતિ વખતે ર્ફોસમાં ડિસિપ્લિન જળવાઈ રહે એ માટે તમામ અંકુશો ર્ફોસના વડા પાસે રહે એ પણ અગત્યનું હોય છે.’

 

મુંબઈપોલીસના પ્રવક્તા તેમ જ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નિસાર તંબોલીએ કહ્યું હતું કે ‘આ ઘટના બની એ માટે જવાબદાર કારણને હજી અમે શોધી શક્યા નથી અને અમે ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છીએ. લોકોએ શાંતિ જાળવવામાં સહયોગ આપવો જોઈએ. જરૂર પડે તો લોકોએ પોલીસ હેડક્વૉર્ટરમાં ૨૨૬૨૩૦૫૪ પર અથવા ૧૦૦, ૧૯૮૩, ૧૮૫૫ અને ૨૨૬૨૫૦૨૦ નંબર પર સંપર્ક કરવો.’

 

હું મારું કામ કરી રહ્યો હતો ત્યારે મારા પર લાઠીચાર્જ થયો

 

ગઈ કાલે બપોરે અઢી વાગ્યે હું મારું એક કામ પૂરું કરીને આઝાદ મેદાનમાં પહોંચ્યો એ વખતે એક ટોળું આસામ અને મ્યાનમારમાં હિંસાનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના કરી રહ્યું હતું અને હું તેમનો ફોટો કાઢી રહ્યો હતો. દરમ્યાન બળવાની ગંધ આવતાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાનું મને લાગ્યું હતું. બપોરના ૩.૧૫ વાગ્યે આ ટોળું ભાગીને મેદાનની બહાર ગયું હતું. એની સાથે હું પણ મેદાનની બહાર દોડતો ગયો હતો. આમ છતાં હું ફોટો પાડતો રહ્યો. મેં બહાર આવતાંની સાથે જ ટીવીચૅનલની ઓબી વૅન બળતી અવસ્થામાં જોઈ હતી. પોલીસ ઓછી સંખ્યામાં હતી એથી તેઓ આ સ્થિતિને કન્ટ્રોલ નહોતા કરી શક્યા. પોલીસની ટીમ આ મૉબને કન્ટ્રોલ કરવા આવી એ વખતે હું આ ભીડમાંથી બહાર આવી ગયો હતો. જોકે મને લાગ્યું હતું કે સ્થિતિ વણસી જશે અને હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ એટલે હું રોડની બીજી તરફ જતો રહ્યો. એ વખતે એક પોલીસ-અધિકારીએ મારા પર લાઠીચાર્જ કયોર્ હતો જેમાં મને માથામાં અને હાથમાં પોલીસની લાકડી વાગતાં મારાં સી.ટી. સ્કૅન અને એક્સ-રે કાઢવામાં આવ્યાં હતાં. ગઈ કાલે મને નિરીક્ષણ હેઠળ હૉસ્પિટલમાં ઍડ્મિટ થવા ડૉક્ટરોએ સલાહ આપી હતી.

 

- ‘મિડ-ડે’નો ફોટોગ્રાફર અતુલ કાંબળે

 

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન, એલ. ટી. માર્ગ = લોકમાન્ય તિલક માર્ગ