ગુજરાતી પરિવારના આધારસ્તંભ જેવી યુવતી ૧૬ દિવસથી ગાયબ

18 December, 2012 06:02 AM IST  | 

ગુજરાતી પરિવારના આધારસ્તંભ જેવી યુવતી ૧૬ દિવસથી ગાયબ



નાલાસોપારામાં રહેતી ૨૨ વર્ષની અવનિ બારોટ બીજી ડિસેમ્બરે વસઈમાં કામ પર ગયા બાદ ૧૬ દિવસ પછી પણ ઘરે પાછી ન ફરતાં તેનાં મધ્યમ વર્ગનાં મમ્મી-પપ્પાની હાલત ખૂબ જ દયનીય અને ખરાબ થઈ ગઈ છે. નાલાસોપારા (ઈસ્ટ)માં ધર્માનગરમાં આવેલા સાઈ કોણાર્ક બિલ્ડિંગમાં રહેતી બાવીસ વર્ષની અવનિ બારોટ વસઈ (વેસ્ટ)માં સ્ટેશન રોડ પર આવેલા દત્તાત્રય મૉલમાં એક ગાર્મેન્ટ-શૉપમાં કામ કરે છે. બીજી ડિસેમ્બરે સવારે સવાનવ વાગ્યે તે કામ પર જઈ રહી છું એમ કહીને નીકળી હતી. સાંજે અવનિ પાછી ન આવતાં ઘણી તપાસ કરવા છતાં તેની કોઈ માહિતી ન મળી એટલે અંતે તેની માતાએ ૭ ડિસેમ્બરે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના બાદ ખૂબ જ આઘાત પામેલી અવનિની મમ્મી લતા બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અવનિ કામ પરથી રાતે દસ વાગ્યાની આસપાસ ઘરે ન આવતાં અમે ચિંતામાં મુકાઈ ગયાં હતાં. અમે તેના બધા મિત્રો અને અમારા સંબંધીઓનો સંપર્ક કર્યો, પણ કોઈને કંઈ માહિતી નહોતી. અવનિના પપ્પાને ત્રણ વર્ષ પહેલાં લકવો થવાથી તેઓ ઘરે જ છે. હું કેટરિંગવાળાને ત્યાં પૂરી વણવાનું કામ કરું છું. મારો નાનો દીકરો બારમા ધોરણમાં ભણે છે.

અમે મા-દીકરી મહેનત કરીને ઘર ચલાવતાં હતાં. પોલીસ હવે કેબલ પર પણ અનાઉન્સ કરવાની છે. અવનિ ઘરેથી નીકળી ત્યારે રોજની જેમ નીકળી હતી. તેને કોઈ પણ પ્રકારની માનસિક તાણ કે પછી બીજો કોઈ પ્રૉબ્લેમ નહોતો, કેમ કે અમે ફ્રેન્ડની જેમ રહેતાં હતાં. અવનિ અમારા ઘરનો આભારસ્તંભ હતી. ’