રેલવે સ્ટેશનો પર હવેથી રિક્ષા લાઇનમાં ઊભી રહેશે

14 March, 2022 11:46 AM IST  |  Mumbai | Anurag Kamble

આની સાથે જ ફેરિયાઓ પણ દૂર કરવામાં આવશે, જેથી સ્ટેશનમાં જવા-આવવાનો રસ્તો મોકળો થઈ શકે

વિક્રોલી સ્ટેશનની બહાર ઓટોરિક્ષાઓની લાઈન (તસવીર : સમીર માર્કંડે)

એક અઠવાડિયા માટે નો-પાર્કિંગ ઝોનમાંથી કાર ટો ન કરવાનો નિર્ણય લીધા બાદ શહેરના પોલીસ કમિશનર સંજય પાંડે આ પૉલિસીને લંબાવવાનો નિર્ણય લેવા સાથે જ રેલવે સ્ટેશન પરની ગીચતાને ઓછી કરવા ફેરિયાઓને દૂર કરી રિક્ષાઓને એક લાઇનમાં ઊભી રાખવાનું વિચારી રહ્યા છે. પોતાની નવી પહેલ અને શહેર માટે લીધેલા નિર્ણયની મુંબઈગરાને જાણ કરવા પોલીસ કમિશનરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કર્યો છે.

નવો પદભાર ગ્રહણ કર્યા પછી સંજય પાંડે સોશ્યલ મીડિયાના માધ્યમથી શહેરીજનો સાથે સંપર્કમાં રહે છે. પાંચમી માર્ચે તેમણે જાહેરાત કરી હતી કે એક અઠવાડિયા માટે પ્રાયોગિક ધોરણે શહેરમાં કોઈ પણ વાહન ટો નહીં કરાશે, તેના સ્થાને વાહનોને ક્લૅમ્પ કરીને એના માલિકને ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવશે. અનેક વાહનચાલકોએ પોલીસ કમિશનરને આત્યંતિક કાર્યવાહી ટાળવા વાહનચાલકોને પાર્કિંગ ઝોન અથવા વિસ્તારોમાં માર્ગદર્શન આપવા માટેની જોગવાઈઓ કરવા વિનંતી કરતાં તેમણે ટોઇંગનું સસ્પેન્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આ વિષય પર બોલતાં તેમણે કહ્યું હતું કે અમે વાહનો ટો કરવાનો નિર્ણય રદ કર્યો છે અને જ્યાં સુધી બીએમસી પાર્કિંગ એરિયા માર્ક ન કરે કે પાર્કિંગ વિશે કોઈ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી સસ્પેન્શન કાયમ રહેશે. 
શહેર અને ઉપનગરોમાં રિક્ષા અને ફેરિયાઓને કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં થતી ભીડ ઓછી કરવાનું કામ હાથ ધરાયું છે. રેલવે સ્ટેશનની બહાર થતી અરાજકતા અને અંધાધૂંધીને કારણે ગિરદી વધતી હોય છે. કેટલાક રિક્ષા-ડ્રાઇવરના તોછડા વર્તનને કારણે બેસ્ટના ડ્રાઇવરોને પણ તકલીફ પડતી હોય છે.

સંજય પાંડેએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે રિક્ષા-ડ્રાઇવરોને લાઇનમાં ઊભા રાખવા સાથે જ ફેરિયાઓ પણ દૂર કરવામાં આવશે, જેથી સ્ટેશનમાં જવા-આવવાનો રસ્તો મોકળો થઈ શકે. 
શહેરમાં વાહનોની અવરજવર સરળ બનાવવા ટ્રાફિક પોલીસની મદદ માટે ટ્રાફિક વૉર્ડનની નિયુક્તિ કરવામાં આવી હતી. મદદ ભલે તેઓ પોલીસને કરતા હોય, પરંતુ તેમનો પગાર વિવિધ રિયલ એસ્ટેટના માંધાતાઓ, કંપનીઓ અને એનજીઓ દ્વારા ચૂકવાતો હતો. જોકે તેમના દ્વારા કરાતા ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકની ફરિયાદોને લીધે પોલીસ કમિશનરે તેમને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. 

mumbai mumbai news anurag kamble