ગુરુવારે તમને રિક્ષા-ટૅક્સી મળશે કે નહીં એ આજની બેઠક પર છે નિર્ભર

13 September, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાડું વધારવાના મુદ્દે બન્ને યુનિયને હડતાળની જાહેરાત કર્યા બાદ સરકાર તરફથી આજે ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર સાથે છે મીટિંગ

ફાઇલ તસવીર

મુંબઈમાં સીએનજીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી ટૅક્સી અને રિક્ષા યુનિયનો લાંબા સમયથી ભાડામાં વધારો માગી રહ્યાં છે. જોકે વારંવારની રજૂઆત છતાં એના પર રાજ્ય સરકાર નિર્ણય લેતી ન હોવાથી હવે એ લોકો વીફર્યા છે અને ગુરુવારે તેમણે હડતાળ પર જવાનું એલાન કર્યું છે. જોકે એ પહેલાં આજે ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર ઉદય સામંત સાથે યુનિયનના નેતાઓની મીટિંગ છે. એમાં શું નિર્ણય લેવાય છે એના પર આ સૂચિત હડતાળનો આખરી નિર્ણય લેવાશે.  

ટૅક્સીમેન્સ યુનિયનના નેતા એ. એલ. ક્વૉડ્રોસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં અંદાજે ૪૮,૦૦૦ ટૅક્સીઓ છે. અમે મિનિમમ ૩૫ રૂપિયાનું ભાડું કરી આપવાની રજૂઆત કરી છે. જો સરકાર ૩૦ પણ કરી આપશે તો અમે તૈયાર છીએ, કારણ કે હવે જે રીતે સીએનજીના ભાવ વધી રહ્યા છે એના હિસાબે હવે પરવડતું નથી.’

જ્યારે મુંબઈ ઑટોરિક્ષામેન્સ યુનિયનના નેતા સંદીપ કુરિયન કહે છે કે ‘મૂળમાં મુદ્દો પૉલ્યુશન ઓછું કરવાનો હતો. સરકારે સીએનજી એટલા માટે જ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સીએનજી લાવ્યા બાદ અનેક મુંબઈગરાઓએ તેમની પ્રાઇવેટ કાર પણ સીએનજી ફ્યુઅલવાળી કરાવી લીધી છે, જે સારી જ બાબત છે. જો આવી રીતે સીએનજીના ભાવ ‍વધતા રહેશે અને પેટ્રોલની સમકક્ષ થઈ જશે તો જે પ્રાઇવેટ કાર સીએનજી વાપરે છે એ પેટ્રોલનો યુઝ કરશે. પેટ્રોલ કારનું પિકઅપ સીએનજી કરતાં વધુ હોય છે. બીજું, એ બધા જ પેટ્રોલ પમ્પ પર મળે છે, એ માટે લાંબી લાઇન લગાવવી પડતી નથી. વળી લાંબા ગાળે સીએનજીમાં મેઇન્ટેનન્સ વધુ નીકળે છે એથી લોકો પેટ્રાલ તરફ પાછા વળશે અને પૉલ્યુશનમાં વધારો થશે. વળી વર્ષમાં જો ૨૫ ટકા કરતાં સીએનજીની કિંમત વધે તો ભાડાં વધારવાની જોગવાઈ છે. જ્યારે અહીં તો ડબલ જેટલો વધારો થયો હતો. હમણાં થોડી રાહત મળતાં હવે સીએનજી ૮૦ રૂપિયે કિલો મળી રહ્યો છે. જોકે એમ છતાં આજની મીટિંગમાં શું નિર્ણય લેવાય છે એના પર બધો આધાર છે.’  

mumbai mumbai news bakulesh trivedi