મોંઘવારીનો વધુ એક માર

23 February, 2021 09:56 AM IST  |  Mumbai | Rohit Parikh / Rajendra B Aklekar

મોંઘવારીનો વધુ એક માર

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં હવે ઑટો-રિક્ષા અને ટૅક્સીનાં ભાડાંમાં વધારો થશે. ગઈ કાલે આ પરિવહન સેવાઓના બેઝ ભાડામાં સીધો ત્રણ રૂપિયાનો વધારો કરવામાં  આવ્યો હતો. આજ દિવસ સુધી ન્યૂનતમ ભાડું ૧૮ રૂપિયા લેનારી રિક્ષા હવે પહેલી માર્ચથી ૨૧ રૂપિયા લેશે અને કાળીપીળી ટૅક્સીઓનું લઘુતમ ભાડું ૨૨ રૂપિયાથી વધારીને ૨૫ રૂપિયા કરવામાં આવ્યું છે. જોકે આમ જનતા પણ વધી રહેલી મોંઘવારીમાં રિક્ષા અને ટૅક્સીનો ભાડાવધારો સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે. તેઓ માને છે કે પેટ્રોલ-ડીઝલની સાથે જાળવણી ખર્ચ અને ઇન્શ્યૉરન્સ પ્રીમિયમમાં પણ જબરો વધારો થયો છે ત્યારે ભાડાં વધારવા અનિવાર્ય બની જાય છે.

ઑટો અને ટૅક્સી-ડ્રાઇવરોના કહેવા પ્રમાણે બળતણ, જાળવણી અને ઇન્શ્યૉરન્સના પ્રીમિયમમાં વધારો થવા છતાં છેલ્લાં પાંચ વર્ષમાં ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. મુંબઈ, થાણે અને નવી મુંબઈના ઑટો અને ટૅક્સી-ડ્રાઇવરોનાં યુનિયનોએ આ વધારાને આવકાર્યો છે. જોકે આની સામે અમુક લોકોનું એવું પણ કહેવું છે કે રિક્ષા અને ટૅક્સી તો સીએનજી પર ચાલે છે તો તેમણે પેટ્રોલ-ડીઝલના નામ પર ભાડું કેમ વધારવું જોઈએ.

મુંબઈ ગ્રાહક પંચાયતના સભ્ય શિરીષ દેશપાંડેએ જણાવ્યું હતું કે સરકારે જે કર્યું એનાથી તેમને ભારે આંચકો લાગ્યો છે. પાંચ વર્ષ સુધી કશું કરવામાં ન આવ્યું અને હવે અચાનક જ સરકાર ભાડામાં ત્રણ રૂપિયાનો વધારો કરવા માગે છે. અત્યારે મુસાફરો પાસે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. એનાથી ઑટોના વ્યવસાયને ફટકો પડશે અને એક રીતે જોતાં બેસ્ટને મદદ મળશે. મારું માનવું છે કે સરકારે ભાડાવધારો ઘટાડીને બે રૂપિયા કે તેથી ઓછો કરવો જોઈએ જેથી તે વ્યવહારુ જણાય.

મુંબઈ ઑટોમૅનના યુનિયન લીડર શશાંક શરદ રાવે જણાવ્યું હતું કે વધારો થવા છતાં દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાના વળતરની તેમની માગણી હજી યથાવત્ છે. સરકારે ઑટો ઉદ્યોગને બેઠો કરવા માટે અમારી માગણીઓ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. ભાડામાં વધારાની વ્યવસાય પર હકારાત્મક અને નકારાત્મક, એમ બન્ને પ્રકારની અસર પડશે.

મુંબઈ ટૅક્સીમૅનના યુનિયન લીડર એન્થની ક્વૉડ્રોસે જણાવ્યું હતું કે ભાડામાં વધારો થવાથી તેઓને વ્યવસાયમાં થયેલી કેટલીક ખોટ સરભર થશે એવી તેમને આશા છે. આ અગાઉ છેલ્લે ૨૦૧૫માં ભાડાવધારો થયો હતો. ખટુઆ અને હકીમ સમિતિની ભલામણોમાં નિયમિત ભાડું વધારવાની ભલામણ કરવામાં આવી હતી, એમ છતાં જે થયું તે આવકારદાયક છે. ટૅક્સી યુઝર્સ મોટા ભાગે વ્યાવસાયિક સમુદાયના તથા ટ્રેડર્સ હોય છે, આથી વ્યવસાયને એવો મોટો ફટકો નહીં પડે. જોકે સરકાર દ્વારા નાણાકીય સહાય મળે તે માટેની અમારી માગણી હજી યથાવત્ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ફોટોગ્રાફર અને શૂટિંગનો વ્યવસાય કરતા મુલુંડ-વેસ્ટના પ્રકાશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવવધારા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે એવું નથી. રાજ્ય સરકારના ટૅક્સ પણ બહુ ભારી છે. રાજ્ય સરકાર પણ પોતાના ટૅક્સ ઓછા કરીને ઈંધણના ભાવ પર નિયંત્રણ લાવી શકે એમ છે. એનાથી લોકોને અને ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરોને રાહત મળી શકે એમ છે. બાકી તો પહેલાં બે કિલોમીટરના અંતર માટે ઑટો કરીને જતા હતા, હવે ચાલવા લાગીશું જેથી વૉકિંગ થઈ જશે અને હેલ્થ પણ સારી રહેશે. લાંબે જવા માટે પોતાના સ્કૂટર અને કાર પ્રભુકૃપાથી છે. રોજ સવાર પડે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા અને એને લીધે હવે રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં વધશે એવાં રોદણાં રડવા કરતાં પોતે સૉલ્યુશન શોધવાનો હવે સમય છે. આના માટે કોઈને દોષી ઠેરવી શકાય નહીં. એક રૂપિયામાંથી રિક્ષાના ૨૧ થયા, ઠીક છે એ રીતે જીવી લઈશું.’

સૌથી મોટો મરો તો મધ્યમ વર્ગનો થાય છે, એમ જણાવતાં ઘાટકોપરમાં ટિફિન અને અન્ય ખાદ્ય પદાથોનો બિઝનેસ કરીને પોતાની બે દીકરીઓને મોટી કરી રહેલી હર્ષા ઝાટકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મધ્યમ વર્ગ હંમેશાં પોતાના બજેટ સરભર કરવા માટે પોતાનાં લોહીપાણી એક કરતો હોય છે. આજે માર્કેટમાં અનાજ અને ઘી-તેલના ભાવ પણ વધી ગયા છે. જેટલા ભાવ વધે છે એની સામે અમારા જેવાએ બજેટને મૅનેજ કરવું પડે છે. રિક્ષા આજે મધ્યમ વર્ગનું વાહન છે. એના ભાવવધારાની અસર થાય છે, પણ તેમની પણ કોઈ મજબૂરી હશે, જેને કારણે તેમને ભાવ વધારવા પડ્યા હશે. એ સ્વીકારીને છૂટકો છે. આમ પણ હવે કોણ ભાવવધારા સામે આંદોલન કરે છે.’

mumbai mumbai news rajendra aklekar