કાલથી ઑટોરિક્ષા, ટૅક્સી અને બેસ્ટની બસો પણ નહીં મળે

01 November, 2011 03:54 PM IST  | 

કાલથી ઑટોરિક્ષા, ટૅક્સી અને બેસ્ટની બસો પણ નહીં મળે

 

 

(કાજલ ગોહિલ-વિલ્બેન)

મુંબઈ, તા. ૧

પેટ્રોલ ડીલર્સ અસોસિએશન-મુંબઈ દ્વારા સીએનજીના કમિશનના રેટમાં વધારો કરવામાં ન આવતાં એનો વિરોધ કરવા આવતી કાલથી મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લાનાં સીએનજી સ્ટેશનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે; જેની સીધી અસર મુંબઈની સીએનજી પર ચાલતી ૯૦ ટકા રિક્ષાઓ અને ૮૦ ટકા ટૅક્સીઓ અને અઢી હજાર બેસ્ટની બસ પર જોવા મળશે. ટૅક્સીચાલક રમેશ યાદવે સીએનજીના ડીલરોની હડતાળની અસર વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવતી કાલથી સીએનજી ડીલરો હડતાળ પર જવાના હોવાની જાણ થતાં જ અમે નક્કી કર્યું છે કે આજે રાત્રે ટૅન્ક ફુલ કરાવી લઈશું. ૨૦૦ કિલોમીટરની ક્ષમતાવાળી ટૅન્કમાં ભરેલો સીએનજી લગભગ દોઢથી બે દિવસ ચાલતો હોય છે એટલે ત્યાર પછી અમારે ગાડી બંધ રાખવાનો વારો આવશે. પેટ્રોલના ભાવ તો અમને કોઈ હિસાબે પોસાય તેમ નથી.’

આવી જ હાલત રિક્ષાવાળાઓની પણ છે. મુંબઈ ઑટોરિક્ષા યુનિયનના મેમ્બર શશાંક રાવે આ વિશે કહ્યું હતું કે સીએનજી ડીલરોના બંધને લીધે લોકોને હાલાકી થશે, કારણ કે રિક્ષા ચાલુ રાખવા રોજ અમારે સીએનજી ટૅન્ક ભરાવવી પડે છે. બેસ્ટના સ્પોકપર્સન એન. વાલાવલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બેસ્ટની બસો ડીઝલ અને સીએનજી બન્ને પર ચાલતી હોવાથી કદાચ એના પર સીધી અસર તો નહીં પડે, કારણ કે મહાનગર ગૅસ સાથે અમારો સીએનજી પૂરો પાડવાનો કરાર છે અને એના ડીલરો એ માટે યોગ્ય સગવડ અમને પૂરી પાડશે.’

ડીલરો શું કહે છે?

સીએનજીના ડીલરોના બંધની સીધી અસર સામાન્ય જનતાના રોજના વાહનવ્યવહાર પર થઈ રહી છે. આ સંજોગોમાં લોકોને અગવડ ન પડે એ માટે સીએનજી ડીલરો કોઈ પગલાં લઈ રહ્યા છે કે નહીં એ વિશે માહિતી આપતાં પેટ્રોલ ડીલર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ રવિ શિંદેએ કહ્યું હતું કે ‘સીએનજી સ્ટેશનો બંધ રહેવાથીં વાહનવ્યવહાર પણ બંધ થતાં જે કોઈ સમસ્યાઓ ઊભી થશે એની જવાબદારી અમારી નથી. એ જવાબદારી પેટ્રોલિયમ ખાતા કે એને લાગતા અધિકારીઓની છે, કારણ કે અમે બંધની તારીખ જાહેર કરવા છતાં હજી સુધી કોઈ સરકારી અધિકારીના પેટનું પાણી પણ નથી હલ્યું. અમારી સંસ્થાના સ્ટેટ લેવલ કો-ઑર્ડિનેટરે સીએનજીના ડીલરોને ગૅસ પહોંચાડતી ઑઇલ-કંપનીઓ અને મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ) સાથે પત્રવ્યવહાર મારફત છ મહિનાથી વાત ચલાવી હતી, પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. અમે મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લાનાં સીએનજી સ્ટેશનોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં કુલ મળીને ૧૨૨ સીએનજી સ્ટેશનો છે. મહાનગર ગૅસનાં પોતાનાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, તાડદેવ, વડાલા અને પાંચ ભાડે આપેલાં એમ કુલ આઠ સીએનજી સ્ટેશનો છે. ત્યાંથી લોકો સીએનજી મેળવી શકશે. જ્યાં સુધી અમને પેટ્રોલિયમ ખાતાની ઑથોરિટી કેટલા સમયમાં અને કેટલો વધારો આપવાની છે એની સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી બંધ પાળવાનો અને કોઈ પણ વાહનને સીએનજી ન વેચવાનો અમારો વિચાર છે.’

ડિમાન્ડ શું છે?

છેલ્લાં ૧૮ વર્ષમાં સીએનજી પર કિલો દીઠ કમિશનમાં ફક્ત ૧૪ પૈસાનો જ વધારો મળ્યો હોવાનો દાવો કરતાં રવિ શિંદેએ કહ્યું હતું કે ‘અમને કિલોદીઠ સીએનજીના વેચાણ પાછળ ૮૭ પૈસા નફો મળે છે. અમારા ખર્ચા વધી ગયા છે અને અમારે ઇલેક્ટ્રિસિટીથી લઈ પગાર, યુનિફૉર્મ જેવા વધારાના ખર્ચ પણ ભોગવવા પડે છે. સીએનજીની કિલોદીઠ કિંમત સીધી ૧.૯૨ રૂપિયા વધી ગઈ છે અને આ બાબતે ઑથોરિટી સાથેની વાટાઘાટો નિષ્ફળ રહી છે. અમે ડીલરો અત્યારે ૩૧ રૂપિયા ૪૭ પૈસા કિલોના હિસાબે સીએનજી વેચી રહ્યા છીએ. અમારા અસોસિએશનની ડિમાન્ડ અત્યારના ૮૭ પૈસાનું કમિશન વધારીને ૨.૫૦ રૂપિયા કિલોદીઠ કરવાની છે. અમને આશા છે કે ૨૪ કલાકમાં આ બંધનો નિવેડો આવી જશે, પણ જો એમ ન થયું તો જ્યાં સુધી યોગ્ય સમાધાન ન થાય તો અમે બંધને આગળ વધારીશું.’

સીએનજીને પેટ્રોલની જેમ સ્ટોર કરી શકાતો નથી

સીએનજી એ કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ છે જેને પાઇપલાઇન મારફત ઠેકઠેકાણે પહોંચાડવામાં આવે છે. સામાન્ય રીતે સવારે છ-સાત વાગ્યે સીએજીના ડીલરો પાઇપલાઇનની સ્વિચ ઑન કરીને ગૅસ પર પે્રશર આપીને બનાવતા હોય છે. બંધ દરમ્યાન  ગૅસ તૈયાર કરતી આ પાઇપલાઇનોને બંધ કરી દેતાં કોઈ પેટ્રોલ-પમ્પ પર સીએનજી મળશે નહીં.