મીરા રોડમાં રિક્ષાવાળાઓની ફરિયાદ માટેની હેલ્પલાઇન આઉટ ઑફ ઑર્ડર

12 October, 2011 08:07 PM IST  | 

મીરા રોડમાં રિક્ષાવાળાઓની ફરિયાદ માટેની હેલ્પલાઇન આઉટ ઑફ ઑર્ડર

 

શનિવારે ઇન્ડિયા અગેઇન્સ્ટ  કરપ્શનના સમર્થકો દ્વારા મીરા રોડ સ્ટેશનની બહાર લોકોને નાની ચિઠ્ઠી આપવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે રિક્ષાની કોઈ પણ પ્રકારની ફરિયાદ વિશે  આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ)ના ટોલ-ફ્રી ૧૮૦૦૨૨૫૩૩૫ અથવા ૦૨૨-૨૫૩૪૦૪૭૪ નંબર પર ફોન કરીને જણાવવું.

લગભગ ૪૫૦૦થી પણ વધારે ચિઠ્ઠી લોકોમાં ડિસ્ટિ્રબ્યુટ કરવામાં આવી હતી. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના સમર્થકો દ્વારા આ ઍક્ટિવિટી સાંજે ૫ વાગ્યાથી ૮ વાગ્યા  સુધી કરવામાં આવી હતી. ૮ વાગ્યા બાદ અને એ પછી પણ સંસ્થાના સમર્થકો તેમ જ લોકો દ્વારા આરટીઓના આ ટોલ-ફ્રી નંબર પર ફોન કરવામાં આવ્યો હતો,  પણ બન્ને નંબર આઉટ ઑફ ઑર્ડર હતા. સંસ્થાના સમર્થકોએ આરટીઓના અધિકારીને આ વાતની જાણ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે રાત થઈ ગઈ હોવાથી આ  સમસ્યા કાલે જ સૉલ્વ થશે. સંસ્થાના સમર્થકોએ રવિવારે ફરી આરટીઓના અધિકારીને ફોન કરીને ટોલ-ફ્રી નંબર વિશે જણાવ્યું તો અધિકારીએ કહ્યું કે આજે રવિવાર  છે એટલે કાલે આ સમસ્યા ઉકેલાશે. સંસ્થાના સમર્થકોએ ફરી સોમવારે ફોન કર્યો તો આરટીઓના અધિકારીએ કહ્યું હતું કે ‘ટોલ-ફ્રી નંબર વિશેની આ સમસ્યા  આગળ ફૉર્વર્ડ કરવામાં આવી છે. લાઇન ફૉલ્ટી હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે એટલે એમટીએનએલ (મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ) તરફથી આ સમસ્યા  ઉકેલવવામાં આવશે. એમાં આરટીઓ કંઈ કરી શકે એમ નથી.’