રિક્ષા-ટૅક્સીચાલકો મુંબઈગરાને બાનમાં લેવાની પૂરી તૈયારીમાં

03 October, 2011 09:23 PM IST  | 

રિક્ષા-ટૅક્સીચાલકો મુંબઈગરાને બાનમાં લેવાની પૂરી તૈયારીમાં



મુંબઈમાં દોડતી રિક્ષાઓનું એક યુનિયન મુંબઈ ઑટોરિક્ષામેન્સ યુનિયનના ચાલક/માલકો આજે સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પોતાની માગણીઓને લઈને સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનરની ઑફિસની બહાર આંદોલન કરશે અને એક દિવસ માટે ધરણા પર બેસવાના છે. મોટા ભાગના રિક્ષાવાળાઓ આ ધરણામાં જોડાવાના હોવાથી રસ્તા પર આજે રિક્ષાઓ ઓછી જોવા મળે એવી સંભાવના છે. જોકે તેમની પ્રમુખ માગણીઓમાં રિક્ષાનું મિનિમમ ભાડું ૧૯ રૂપિયાથી વધુ કરવાની છે.

૫૦૦૦થી વધુ રિક્ષા નહીં દોડે

ઑટોરિક્ષા ડ્રાઇવરોએ સબબ્ર્સથી બાંદરા (ઈસ્ટ)માં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનરની ઑફિસ સુધી આજે મોરચો કાઢીને વિરોધપ્રદર્શન કરવાનો નર્ણિય લીધો છે. પાંચ હજારથી પણ વધુ રિક્ષા-ડ્રાઇવરો આજે રૅલીમાં ભાગ લે એવી શક્યતા છે. આને કારણે એ તો નક્કી જ છે કે આટલા લોકો રિક્ષાઓ દોડાવશે નહીં, પરંતુ એમાં મુંબઈ ઑટોરિક્ષામેન્સ યુનિયન સિવાય બાકીનાં યુનિયનો જોડાવાનાં નથી. આંદોલન વિશે મુંબઈ ઑટોરિક્ષામેન્સ યુનિયનના પ્રેસિડન્ટ શરદ રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી હોવાનું ધ્યાનમાં રાખીને રિક્ષાનું ભાડું વધારવાની પ્રમુખ માગણી રહેશે. નવી દિલ્હીમાં રિક્ષાનું ભાડું ૧૯ રૂપિયા છે અને ત્યાં મુંબઈ કરતાં સીએનજી (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ)ના ભાવ ઓછા છે. અમારી અમુક માગણીઓ માટે આજે બપોરે બાર વાગ્યે કમિશનરને મળવાના છીએ. આમાંથી અમુક માગણીઓ પર ઉકેલ લાવવાનું જણાવવામાં આવશે. અમારી આગળની ગતિવિધિઓ પર ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે.’

બાકીનાં યુનિયનો જોડાયાં નથી

ત્રણ હજાર જેટલા રિક્ષાચાલકો જે યુનિયન સાથે જોડાયેલા છે એ મુંબઈ રિક્ષામેન્સ યુનિયનના જનરલ સેક્રેટરી થમ્પી કુરિયને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારા યુનિયનના લોકો આ મોરચામાં જોડાવાના નથી, જેથી આ યુનિયનના રિક્ષાચાલકો રોજની જેમ રિક્ષા દોડાવશે.

મોરચો શા માટે?

રિક્ષાવાળાઓને જે રીતે આરટીઓ અને ટ્રાફિક-પોલીસ દ્વારા ત્રાસ આપવામાં આવે છે એના કારણે રિક્ષાવાળાઓના યુનિયન દ્વારા આ મોરચો કાઢવાનો નર્ણિય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેમની મુખ્ય માગણીઓમાં રિક્ષામાં એવું મીટર લગાડવામાં આવે જેથી રિક્ષા-ડ્રાઇવરને મહિને ૨૫ હજાર રૂપિયાની કમાણી થઈ શકે. આ ઉપરાંત શૅર-એ-રિક્ષા વધુ ને વધુ શરૂ કરવામાં આવે, જેથી મીટરની મગજમારી ન થાય. રિક્ષાચાલકો અને તેના પરિવાર માટે વેલ્ફેર સ્કીમ લાવવામાં આવે અને રિક્ષાચાલકોને પબ્લિક સર્વન્ટનો દરજ્જો આપવામાં આવે જેવી અનેક માગણીઓ આજે રજૂ કરવામાં આવશે. બાંદરામાં આને કારણે ટ્રાફિક જૅમની પણ સમસ્યા થઈ શકે છે. આ પહેલાં પણ ૨૦૦૯માં રિક્ષા યુનિયને મિનિમમ ભાડું ૧૫ રૂપિયા કરવાની માગણી કરી હતી. બે વર્ષમાં એટલી બધી મોંઘવારી વધી ગઈ છે.

ટૅક્સીમેન્સ યુનિયનની હડતાળ પાડવાની ધમકી

શહેરના રિક્ષાવાળાઓના મીટરના ચેકિંગ બાદ હવે ટૅક્સીચાલકોનો વારો પણ આવ્યો છે અને આને કારણે ટૅક્સીચાલકો પણ વીફર્યા છે. મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયને આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ)ને ટૅક્સીચાલકોને ત્રાસ ન આપવાની વિનંતી કરી છે. જો વધુ ત્રાસ આપવામાં આવશે તો વિરોધપ્રદર્શન અથવા તો હડતાળ પર જવાની ધમકી પણ આપી છે. મીટરો સાથે કરવામાં આવી રહેલાં ચેડાં વિરુદ્ધ ૨૭ સપ્ટેમ્બરે તાડદેવ આરટીઓ દ્વારા પગલાં લેવામાં આવ્યાં હતાં, જેમાં બાર ટૅક્સીચાલકોનાં મીટરો ફૉલ્ટી હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના પ્રેસિડન્ટ એ. એલ. ક્વૉડ્રોસે કહ્યું હતું કે ‘આરટીઓ દ્વારા જે પગલાં લેવામાં આવ્યાં છે એની હું નિંદા કરું છું. અધિકારીઓ દ્વારા તેમના ઉપરીને ખુશ કરવા માટે કાર્યવાહી કરીને ગેરકાયદે પગલાં લેવામાં આવ્યાં છે. જોકે આમાં એવું છે કે ઉપરીઓએ અધિકારીઓને અમુક ટાર્ગેટ આપ્યો હોય છે એ અચીવ કરવામાં ન આવતાં તેઓ આમ ટૅક્સીચાલકોને ટાર્ગેટ બનાવે છે.’

આરટીઓ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એને લઈને ટૅક્સી યુનિયન દ્વારા ગઈ કાલે લેટર લખીને મોકલવામાં આવ્યો હતો. આ વિશે એ. એલ. ક્વૉડ્રોસે જણાવ્યું હતું કે ‘જે ગેરકાયદે ઍક્શન લેવામાં આવી રહ્યાં છે એને બંધ કરવામાં આવે. આને કારણે અમારી પાસે વિરોધ કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. જો જરૂર પડશે તો અમે હડતાળ પર પણ ઊતરી જઈશું.’