રિક્ષાભાડાના વધારાનો માર એના ડ્રાઇવરોને પણ

03 November, 2012 07:47 AM IST  | 

રિક્ષાભાડાના વધારાનો માર એના ડ્રાઇવરોને પણ



અત્યારે રિક્ષાચાલકો અને ટૅક્સીચાલકો માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. હાલમાં જ્યારથી આ વાહનોનાં ભાડાંમાં વધારો થયો છે ત્યારથી પ્રવાસીઓએ એમાં પ્રવાસ કરવાનું ઓછું કરી દીધું છે. ડ્રાઇવરોના દાવા પ્રમાણે તેમને ૫૦ ટકા કરતાં વધારે નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ડ્રાઇવરોની હાલત કફોડી બની ગઈ છે અને સતત નુકસાનને કારણે તેમનો કામધંધો પડી ભાંગતાં શહેર છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

જો રિક્ષાચાલકો અને ટૅક્સીચાલકોની વાત માનવામાં આવે તો તેમને લાંબા સમય સુધી પ્રવાસીઓની રાહ જોવી પડે છે, જ્યારે મોટા ભાગના પ્રવાસીઓ બસમાં પ્રવાસ કરવાનું અને શક્ય હોય ત્યાં ચાલીને જવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ સમસ્યા વિશે છેલ્લાં ૧૨ વર્ષથી રિક્ષા ચલાવવાનું કામ કરતો કિશોર જાધવ કહે છે કે ‘પૅસેન્જરો હવે બને ત્યાં સુધી રિક્ષા કરવાનું ટાળે છે. એને બદલે તેઓ બસની લાઇનમાં ઊભા રહેવાનું અથવા તો ચાલી નાખવાનું પસંદ કરે છે. હવે રિક્ષા-ડ્રાઇવરોએ ટૂંક સમયમાં યુનિયનને મળીને આ વાતની ચર્ચા કરવાનું નક્કી કર્યું છે.’

ચેમ્બુરના રિક્ષા-ડ્રાઇવર રામજી ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘હવે હું કોઈ પણ પૅસેન્જરને કોઈ પણ જગ્યાએ લઈ જવા તૈયાર રહું છું. પહેલાં અમે પૅસેન્જરોને ના પાડતા હતા અને હવે પૅસેન્જરો રિક્ષામાં બેસવાની જ ના પાડી દે છે. અત્યારે અમારી સ્થિતિ બહુ ખરાબ છે અને બિઝનેસ દિવસે-દિવસે ઘટતો જાય છે. આના કારણે અમારા માટે પરિવારની રોજિંદી જરૂરિયાત પૂરી કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. હવે અમારે કોઈ પણ ભાડા માટે કોઈ પણ જગ્યાએ રિક્ષા લઈ જવાની ફરજ પડી છે.’

ભાડાવધારા વિશે નવી કમિટી બનાવવાનો હજી કોઈ નિર્ણય નહીં

ગયા મહિને વધેલા રિક્ષા-ટૅક્સીના ભાડાના મામલે નવી કમિટી બનાવવા વિશે હજી કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો એવું બૉમ્બે હાઈ કોર્ટને મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું. ભાડાવધારાના મામલે રાજ્ય સરકારે પીએમએ હકીમ કમિટીની અધ્યક્ષતામાં એક સભ્યની સમિતિ બનાવવાના નિર્ણયની બૉમ્બે હાઈ કોર્ટે ટીકા કરી હતી તેમ જ સરકારને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરીને આ વિશે નવી સમિતિ બનાવવા જણાવ્યું હતું. ગઈ કાલે રાજ્ય સરકારના વકીલે કોર્ટને કહ્યું હતું કે આ સંદર્ભનો નિર્ણય લેનારા ડેપ્યુટી સેક્રેટરી વિદેશ ગયા છે એથી કોર્ટે આ મામલાને પાંચમી નવેમ્બર સુધી મુલતવી રાખ્યો છે. ભાડાવધારાને પડકારતી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ - જાહેર હિતની અરજી) મુંબઈ ગ્રાહક પંચાયતે દાખલ કરી હતી.