સલામ કરો આ રિક્ષાવાળાને

12 November, 2012 03:31 AM IST  | 

સલામ કરો આ રિક્ષાવાળાને



શિરીષ વક્તાણિયા

મુંબઈ, તા. ૧૨

બોરીવલી (વેસ્ટ)ના સાંઈબાબાનગરમાં રહેતા ૩૫ વર્ષના રિક્ષા-ડ્રાઇવર સોહન યાદવની રિક્ષામાં શનિવારે એક મહિલા-પૅસેન્જર લૅપટૉપ ભૂલી જતાં સોહને મહિલાને શોધી કાઢવા બાંદરાથી બોરીવલી સુધી રઝળપાટ કરી હતી. હાલમાં જ દુબઈથી મુંબઈમાં શિફ્ટ થયેલી ભૂમિકા જિદિશ પુવાદન શનિવારે સાંજે ૪ વાગ્યે બાંદરામાં તેનું લૅપટૉપ સોહનની રિક્ષામાં ભૂલી ગઈ હતી. ૯ કલાકનું સર્ચ-ઑપરેશન હાથ ધરીને બોરીવલી પોલીસની મદદથી ખોવાયેલું લૅપટૉપ ભૂમિકાને સુપરત કરતાં સોહને હાસકારો અનુભવ્યો હતો. ભૂમિકાએ પણ સોહને લીધેલી જહેમતના બદલામાં ૧૦૦૦ રૂપિયા આપીને તેનો આભાર માન્યો હતો. બોરીવલી પોલીસ આ પ્રામાણિક રિક્ષા-ડ્રાઇવરનું સન્માન કરવાનું વિચારી રહી છે.

કેવી રીતે ગુમ થયું?

દુબઈથી હાલમાં જ મુંબઈમાં બિઝનેસ સંદર્ભે શિફ્ટ થયેલી અને બોરીવલી (વેસ્ટ)ના એક્સર રોડ વિસ્તારમાં રહેતી ભૂમિકાએ  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે બાંદરામાં મારી બિઝનેસ-મીટિંગ હતી. ત્યાં જવા માટે મેં બોરીવલીથી રિક્ષા પકડી હતી. સાંજે ચાર વાગ્યે હું બાંદરા (વેસ્ટ)ના એસ. વી. રોડ પર રિક્ષામાંથી ઊતરી એ વખતે હું મારું ૪૦,૦૦૦ રૂપિયાનું લૅપટૉપ રિક્ષામાં જ ભૂલી ગઈ હતી. રિક્ષામાં આવતી હતી ત્યારે ડ્રાઇવરે મને કહ્યું હતું કે હું હવે તમને છોડીને રિક્ષામાં ગૅસ ભરાવવા જવાનો છું એટલે હું તરત બીજી રિક્ષા પકડીને બાંદરાનાં બે ગૅસ-સ્ટેશન પર તેને શોધવા ગઈ હતી. ગૅસ-સ્ટેશન પર રિક્ષા ન દેખાતાં મેં લગભગ ૫૦ રિક્ષાવાળાઓને એ વિશે પૂછપરછ કરી હતી, પણ એ રિક્ષા ન મળતાં મેં બાંદરા પોલીસ-સ્ટેશનમાં લૅપટૉપ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.’

બાંદરા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ભૂમિકાને કહ્યું હતું કે ‘કોઈ રિક્ષાવાળાને લૅપટૉપ જેવી વસ્તુ મળે અને તે પાછું આપવા આવે એવા કિસ્સા મુંબઈમાં ઘણા ઓછા સાંભળવા મળે છે. જો લૅપટૉપ અમને મળશે તો અમે તમને ફોન કરીને જણાવીશું.’

પોતાની વ્યથાને વર્ણવતાં ભૂમિકાએ વધુમાં કહ્યું હતું કે ‘આટલું સાંભળ્યાં બાદ હું નિરાશ થઈને મીટિંગ અટેન્ડ કરવા જતી રહી હતી. મોડી રાતે સાડાબાર વાગ્યે મને બોરીવલી પોલીસ-સ્ટેશનમાંથી ઉમેશ સાવંત નામના પોલીસ-ઑફિસરનો ફોન આવ્યો હતો. તેમણે મને લૅપટૉપ મળી ગયું છે કહેતાં હું ઘણી ખુશ થઈ હતી. એટલું સાંભળતાંની સાથે જ હું મારા બિઝનેસ-પાર્ટનરો સાથે રાત્રે દોઢ વાગ્યે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં લૅપટૉપ લેવા પહોંચી ગઈ હતી. બોરીવલી પોલીસ-સ્ટેશનમાં હું પહોંચી ત્યારે મને નવાઈ લાગી હતી. હું જે રિક્ષામાં બેસીને બાંદરા ગઈ હતી એ જ રિક્ષા-ડ્રાઇવર લૅપટૉપ આપવા પોલીસ-સ્ટેશનમાં રાત્રે દોઢ વાગ્યા સુધી મારી રાહ જોઈ રહ્યો હતો. આવા પ્રામાણિક લોકો ભાગ્યે જ મળે.’

દુકાનદારની લાલચમાં ન આવ્યો


સોહને પોતે કરેલા પ્રયાસો વિશે કહ્યું હતું કે ‘મૅડમને બાંદરા છોડી દીધા બાદ હું ગૅસ ભરાવવા ગયો હતો. એ વખતે રિક્ષાની પાછળની સીટ પર મને એક બૅગ મળી હતી. આ બૅગમાં શું હશે એ જાણવા બાંદરામાં હું એક ઇલેક્ટ્રિશ્યનની દુકાનમાં ગયો હતો. દુકાનદારે મને કહ્યું હતું કે આ લૅપટૉપ છે. જો તારે વેચવું હોય તો હું તને એના ૧૦,૦૦૦ રૂપિયા આપીશ. મેં તેને વેચવાની ના પાડી અને એ લૅપટૉપ કોનું છે એ શોધી કાઢવાની વિનંતી કરી, પણ તેણે ના પાડી હતી. પેલી મહિલાને મેં જ્યાં ઉતારી હતી એ જગ્યાએ હું પાછો તેને શોધવા ગયો હતો, પણ ત્યાં ન દેખાતાં તેને શોધવા બાંદરાથી હું બોરીવલી ગયો. બોરીવલીમાં પણ તે ન મળતાં છેવટે મેં રાત્રે ૮ વાગ્યે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં લૅપટૉપના માલિકને શોધી કાઢવા પોલીસ પાસે મદદ માગી હતી.’

એસવી = સ્વામી વિવેકાનંદ

આઇપી = ઇન્ટરનેટ પ્રોટોકૉલ