રાજ ઠાકરેની રૅલીમાં બૉમ્બ મુકાયાનો ફોન કરનાર રિક્ષા-ડ્રાઇવર પકડાયો

26 August, 2012 05:05 AM IST  | 

રાજ ઠાકરેની રૅલીમાં બૉમ્બ મુકાયાનો ફોન કરનાર રિક્ષા-ડ્રાઇવર પકડાયો

રાજ ઠાકરેની રૅલીના સમયે મંગળવારે બપોરે દોઢ વાગ્યે ફોન કરી રાજ ઠાકરે પહેલાં સિદ્ધિવિનાયક મંદિર જવાના હોવાથી ત્યાં, ચોપાટી અને આઝાદ મેદાનમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી ટૅક્સી-ડ્રાઇવર સંતોષકુમાર ગાયકવાડે પોલીસ કન્ટ્રોલ રૂમને આપી હતી. તેણે કહ્યું હતું કે તેની ટૅક્સીમાં બેસેલા ત્રણ માણસો આ બાબતે વાત કરી રહ્યા હતા.

આ માહિતીને આધારે ખબરદારીનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હતાં. જોકે એ કૉલ ખોટો જણાયો હતો, કારણ કે રેકૉર્ડ ચેક કરતાં એવું જણાઈ આવ્યું હતું કે આ પહેલાં પણ ૪ ઑગસ્ટે મધરાત બાદ ૧૨.૩૯ વાગ્યે ફોન કરીને તેણે કહ્યું હતું કે ખાર (ઈસ્ટ)માં સર્વિસ રોડ પર ૧૦થી ૧૫ જણ ખુલ્લી તલવારો લઈને ઊભા છે. જોકે એ કૉલ પણ ખોટો સાબિત થયો હતો. ક્રાઇમ બ્રાન્ચ-૮ના પોલીસ-ઍફિસર દીપક ફટાંગરેએ આ બાબતે કહ્યું હતું કે ‘અમને ખબરી પાસેથી માહિતી મળતાં સંતોષકુમાર ગાયકવાડને પકડવા વૉચ ગોઠવી હતી અને ગઈ કાલે સવારે ૬.૩૦ વાગ્યે વિલે પાર્લે‍ (ઈસ્ટ)ના આઝાદ રોડ પરની હોટેલ રામકૃષ્ણ પાસેથી તેને પકડી લીધો હતો. તેનું ખરું નામ રમેશકુમાર જોખુરામ શર્મા છે. તેને રત્નાગિરિના મુંબઈમાં આવેલા એક માણસનું ખોવાઈ ગયેલું સિમ-કાર્ડ મળ્યું હતું એના પરથી તે ફોન કરતો હતો. પહેલી વાર તેના કૉલને લીધે પોલીસ દોડતી થઈ ગઈ હતી એ જોઈ તેણે રૅલીના દિવસે પણ કૉલ કર્યો હતો. તેને એમ હતું કે જો આ કૉલનો રેકૉર્ડ ચેક કરવામાં આવશે તો જેનું કાર્ડ ખોવાયું છે તેને પકડવામાં આવશે. જોકે અમારી પૂછપરછમાં આખરે તેણે ગુનો કબૂલી લીધો હતો.’