19 September, 2023 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રો રેલનાં સ્ટેશનો પર હવે રિક્ષા પકડવા દોડાદોડી નહીં કરવી પડે
મુંબઈ ઃ અંધેરીથી દહિસર વચ્ચે લિન્ક રોડ અને હાઇવેને અડીને દોડી રહેલી સર્ક્યુલર મેટ્રો રેલના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. મેટ્રો રેલનાં સ્ટેશનેથી રિક્ષા કે ટૅક્સી પકડવા માટે અત્યારે કરવી પડતી દોડાદોડીનો ટૂંક સમયમાં અંત આવશે. આ બંને લાઇનનાં ૨૮ મેટ્રો સ્ટેશનો નજીક શૅર-એ-રિક્ષા અને ટૅક્સીનાં સ્ટૅન્ડ શરૂ થઈ ગયા પછી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો અત્યારનો પ્રશ્ન પણ ઉકેલાઈ જશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મેટ્રો ૨એ અને ૭ મેટ્રો રેલના પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે, પણ લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની સાથે આ મેટ્રો સ્ટેશનોની બહાર રિક્ષા પકડવા માટે લોકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકલ રેલવે સ્ટેશનોની જેમ મેટ્રો રેલ સ્ટેશનોની બહાર અત્યારે ઑટો કે ટૅક્સી-સ્ટૅન્ડની સુવિધા નથી.
પ્રવાસીઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલનાં સ્ટેશનોની બહાર પણ ઑટો અને ટૅક્સી-સ્ટૅન્ડ શરૂ કરવા માટેની માગણીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાફિક ઑથોરિટી (એમએમઆરટી)એ મંજૂરી આપી દીધી છે. એટલે બંને મેટ્રો લાઇનનાં ૨૮ સ્ટેશનોની બહાર શૅર-એ-ઑટો અને ટૅક્સી-સ્ટૅન્ડ શરૂ કરવામાં આવશે.
શૅર સ્ટૅન્ડ બનાવવાથી ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે એટલે મેટ્રો રેલનાં સ્ટેશનોની બહાર શરૂઆતના છ મહિના પ્રાયોગિક ધોરણે શૅર-એ-ઑટો અને ટૅક્સી-સ્ટૅન્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બધું યોગ્ય રહેશે તો શૅર સ્ટૅન્ડનો આઇડિયા કાયમી રીતે લાગુ કરવામાં આવશે. મેટ્રો ૨એ અને ૭ ઉપરાંત વર્સોવા-ઘાટકોપર વચ્ચે ચાલતી મેટ્રો વનનાં આઠ સ્ટેશનોની બહાર પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે. દરેક મેટ્રો સ્ટેશનની નજીકના વિસ્તારમાં જવા માટેનાં શૅર ભાડાં નક્કી કરવામાં આવશે.
વર્સોવા, ડી. એન. નગર, અંધેરી, ચકાલા, ગોરેગામ, આરે, દિંડોશી, આકુર્લી, પોઇસર, માગાઠાણે, કાંદિવલી, દહાણુકરવાડી, ઓવરીપાડા, દહિસર (પૂર્વ), આનંદનગર, કાંદરપાડા, મલાડ-પશ્ચિમ, રાષ્ટ્રીય ઉદ્યાન, દેવીપાડા, મંડપેશ્વર, એક્સર, બોરીવલી અને શિંપોલી મેટ્રો સ્ટેશનોની બહાર શૅર-એ-ઑટો અને ટૅક્સી-સ્ટૅન્ડ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
શૅર-એ-ઑટો અને ટૅક્સીની સુવિધા શરૂ થઈ ગયા બાદ અત્યારની લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની સમસ્યા તેમ જ અત્યારે ધસારાના સમયે અને મોડી રાત કે વહેલી સવારના સમયે રિક્ષા પકડવા માટે પ્રવાસીઓને થઈ રહેલી સમસ્યામાં રાહત મળશે.