પવનહંસ નજીક ગેરકાયદે બાંધકામ: જુહુના રહેવાસીએ કર્યો છે આક્ષેપ

17 December, 2020 09:39 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

પવનહંસ નજીક ગેરકાયદે બાંધકામ: જુહુના રહેવાસીએ કર્યો છે આક્ષેપ

ચોમાસા દરમ્યાન આ વિસ્તારમાં ઊગતાં ઝાડીઝાંખરાની સફાઈ કરવામાં આવી હતી. (તસવીર : સમીર અબેદી)

જુહુના રહેવાસી અને લેખક સિદ્ધાર્થ ધન્વંત સંઘવીએ ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઇ)ના નિયંત્રણ હેઠળના પવનહંસ મેદાનમાં ગેરકાયદે બાંધકામ પ્રવૃત્તિ થતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગ્રીન ઝોનમાં કરાતી આ બાંધકામ પ્રવૃત્તિથી જુહુ તળાવ પર જોખમ તોળાઈ રહ્યું છે. જોકે એએઆઇના અધિકારીઓએ જણાવ્યા અનુસાર આ બાંધકામ  ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે છે.

સિદ્ધાર્થ સંઘવીએ કહ્યું હતું કે જુહુ લેક વધારાના પાણીના કેચમેન્ટ એરિયામાંનું એક છે. છેલ્લા એક દશકથી અહીં લૅન્ડ ફિલિંગ એક્સરસાઇઝ ચાલી રહી છે. ગયા વર્ષના ડેવલપમેન્ટ પ્લાનમાં ઍરપોર્ટની જમીનને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવી હતી. એક વૃક્ષ કાપવા માટે પણ દિલ્હીથી પરવાનગી માગવી પડતી હોય એવા સમયમાં આવું નિર્માણ આશ્ચર્ય સર્જે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ પૅરિસ ક્લાઇમેટ ટ્રીટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે સરકારી સંસ્થા જળાશયોનો નાશ કરી રહી છે, જે વિશે રાજ્ય સરકારે તપાસ કરવી જ જોઈએ.

આ બાબત વિશે ‘મિડ-ડે’એ નજીકના બિલ્ડિંગ્સમાંથી જોવાની કોશિશ કરતાં બાંધકામ ચાલુ હોવાની કોઈ પ્રવૃત્તિ થતી જોઈ નહોતી પરંતુ એએઆઇની જમીન પાસે એક અર્થમૂવર અને ડમ્પર જોઈ શકાયાં હતાં. ચોમાસામાં ઊગી નીકળતાં ઝાડવાંઓને સાફ કરી ટ્રક અને વાહનો માટે જગ્યા સાફ કરવામાં આવી હતી. જળાશયથી થોડે દૂર કીચડ જમા થયો હતો, જે સંબંધિત સ્થળની બાયોડાઇવર્સિટી પર જોખમ ઊભું કરે છે. વિસ્તારના એક રહેવાસીએ જણાવ્યા અનુસાર ખોદીને કાઢવામાં આવેલી માટીથી તળાવ પૂરવામાં આવી રહ્યું છે.

એએઆઇની આ પ્રવૃત્તિથી વધુ એક તળાવ નામશેષ થઈ જશે. જોકે આ તળાવ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી શોષી લેતું હોવાથી એ વધુ મહત્ત્વનું હતું. જુહુ લેક પર ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ અહીંના રહેવાસીઓ પર સીધી અસર કરશે.

mumbai mumbai news mumbai airport pawan hans ranjeet jadhav