વાઉ

11 March, 2023 07:17 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈમાં ભાખરી અને શાક ખાઈને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને આપ્યો પ્રતિસાદઃ ભારતની મુલાકાતે આવેલા ઍન્થની અલ્બનીસે ડબ્બાવાળાઓની મુલાકાત લઈને તેમના ભોજનનો સ્વાદ માણ્યો અને પ્રશંસા પણ કરી

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીસ મુંબઈની મુલાકાત દરમિયાન મુંબઈના ડબ્બાવાળાઓને મળ્યા હતા.

મુંબઈ : ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીસે મુંબઈની તેમની મુલાકાત દરમિયાન ભાખરી, શાક અને વરણ-ભાતનો સ્વાદ ચાખ્યો હતો. એમાં ભાખરી-શાક ખાધા બાદ એનો સ્વાદ પસંદ પડતાં તેઓ વાઉ પણ બોલી ઊઠ્યા હતા. મુંબઈ આવેલા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને ડબ્બાવાળાઓની પણ મુલાકાત લીધી હતી. જેમની આયોજન પદ્ધતિએ વિશ્વને આકર્ષિત કર્યું હતું એ ડબ્બાવાળાઓ સાથે તેમણે તાજ હોટેલમાં મુલાકાત કરીને તેમનું સન્માન કર્યું હતું. એ વખતે એમાંથી ઘણુંખરું તેમણે પોતાના હાથે પણ થોડું રાંધ્યું હતું, ડબ્બાવાળાઓ સાથે સંવાદ કર્યો હતો અને ડબ્બાવાળાઓએ તેમને ડબ્બાનું ટિફિન કાચના બૉક્સમાં ભેટરૂપે આપ્યું હતું.

આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન અને તેમનું પ્રતિનિધિમંડળ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વેપાર, સુરક્ષા અને આંતરિક સંબંધો સુધારવા માટે ચાર દિવસની ભારતની મુલાકાતે છે. દરમિયાન વડા પ્રધાન ઍન્થની અલ્બનીસ ગુરુવારે મુંબઈ આવ્યા ત્યારે ડબ્બાવાળાઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

મુંબઈ ડબ્બેવાલા અસોસિએશનના પ્રમુખ રામદાસ કરવંદે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ અવિસ્મરણીય મુલાકાત વખતે કેન્દ્ર સરકાર વતી પીયૂષ ગોયલ સાથે તેમણે ડબ્બેવાલા પ્રતિનિધિમંડળમાં ભાગ લીધો હતો. બે ડબ્બા હતા. એમાંથી તેમણે એક ભાખરી અને મશરૂમનું શાક ખાધું હતું. એ ખાઈને તેમના ચહેરા પર સ્માઇલ આવી ગઈ હતી. તેમને અમે ટિફિન-બૉક્સ પણ ભેટરૂપે આપ્યું હતું અને ડબ્બા કેવી રીતે પહોંચાડવામાં આવે છે એ પણ કહ્યું હતું. વિદેશના વડા પ્રધાને આપણા ભારતીય ભોજનને આનંદથી ખાઈને વખાણ કર્યાં એ અમારા માટે ગર્વની વાત હતી’

mumbai mumbai news india australia preeti khuman-thakur