ઑસ્ટ્રેલિયા યથાવત રાખશે આક્રમક રમત રમવાનું

16 December, 2014 04:55 AM IST  | 

ઑસ્ટ્રેલિયા યથાવત રાખશે આક્રમક રમત રમવાનું



ભારત સામેની ટેસ્ટ-સિરીઝની બાકીની મૅચો માટે ઑસ્ટ્રેલિયાની ટીમનો નવો કૅપ્ટન સ્ટીવ સ્મિથ હશે. ઍડીલેડ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં નૉટઆઉટ ૧૬૨ અને બીજી ઇનિંગ્સમાં નૉટઆઉટ બાવન રન બનાવનારા સ્મિથ પર હવે બૅટિંગની સાથે-સાથે કૅપ્ટન્સીનું પણ દબાણ હશે. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન માઇકલ ક્લાર્ક ઈજાગ્રસ્ત થતાં સ્મિથને હવે આ જવાબદારી સોંપવામાં આવી છે. તે વર્તમાન ટીમનો સૌથી યુવા સભ્ય છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસનો તે ૪૫મો કૅપ્ટન હશે.

દૂરંદેશીભર્યો નિર્ણય

એક તરફ બ્રિસ્બેનમાં ભારત તરફથી વિરાટ કોહલીએ પોતાના સિનિયર મહેન્દ્ર સિંહ ધોનીને જવાબદારી પાછી સોંપી હશે તો ઑસ્ટ્રેલિયન સિલેક્ટરોની આ દૂરદર્શિતા છે કે તેમણે ભવિષ્યને નજરમાં રાખીને સ્મિથને ક્લાર્કના વિકલ્પ તરીકે પસંદ કર્યો છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે વર્તર્માન વિકેટકીપર-બૅટ્સમૅન તથા વાઇસ કૅપ્ટન બ્રૅડ હૅડિનને આ જવાબદારી સોંપવામાં આવશે, પરંતુ ઑસ્ટ્રેલિયન સિલેક્શન કમિટીના અધ્યક્ષ રૉડ્ની માર્શે કહ્યું હતું કે ‘સિલેક્શન કમિટીએ લાંબા સમય માટે કૅપ્ટન્સીની જવાબદારીને ધ્યાનમાં રાખતાં યુવા ખેલાડી સ્મિથને કૅપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રૅડ હૅડિન જે રીતે માઇક્લ ક્લાર્કના ડેપ્યુટીની ભૂમિકા ભજવતો હતો તે જ રીતે સ્ટિવ સ્મિથના ડેપ્યુટીની ભૂમિકા ભજવશે.

ત્રીજા નંબરનો યુવા કૅપ્ટન

બીજી તરફ સ્ટીવ સ્મિથ પણ સિલેક્ટરોના આ નિર્ણયથી હેરાન છે. તેને એવો અંદાજ હતો કે બ્રૅડ હૅડિનને કૅપ્ટન બનાવવામાં આવશે. જોકે છેલ્લા ૧૮ મહિનાથી તે ઘણું સારું રમી રહ્યો છે. સ્મિથે ઑસ્ટ્રેલિયા વતી ૨૩ ટેસ્ટ-મૅચો રમી છે જેમાં ૪૬ રનની ઍવરેજથી ૧૭૪૯ રન કર્યા છે. માત્ર ૨૫ વર્ષની ઉંમરે સ્મિથ ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન બન્યો છે. તે ઑસ્ટ્રેલિયાનો ત્રીજા નંબરનો સૌથી યુવા કૅપ્ટન છે. તેના પહેલાં ૨૪ વર્ષની ઉંમરે કિમ હ્યુઝ અને ઇયાન ક્રેગ કૅપ્ટન બની ચૂક્યા છે.

કૅપ્ટનની જેમ જ વિચારતો

મીડિયા સાથે વાતચીત દરમ્યાન સ્ટીવ સ્મિથે કહ્યું હતું કે ‘મારી ટીમ પૂરી સિરીઝમાં આક્રમક રમતનું પ્રદર્શન કરશે. વળી કૅપ્ટન તરીકે મેદાનમાં સારું પ્રદર્શન કરી ઉમદા નેતૃત્વ પૂરૂ પાડશે. હું જ્યારે ખેલાડી હતો ત્યારે પણ કૅપ્ટન તરીકે જ વિચારતો હતો. મારા કેટલાક વિચારો વિશે માઇકલ ક્લાર્ક અને બ્રૅડ સાથે ચર્ચા પણ કરતો. ધીરજ મારા માટે બહુ મહત્વની છે. દરેક બૉલને હું મારવાની કોશિશ નથી કરતો, પરંતુ પરિસ્થિતિ મુજબ ફેરફાર કરવામાં માનું છું.’

કોણે શું કહ્યું?

માઇકલ ક્લાર્કની જગ્યા ૨૫ વર્ષનો સ્ટીવ સ્મિથ લઈ શકશે કે નહીં એ બાબતે ઑસ્ટ્રેલિયન ન્યુઝ-ચૅનલે સર્વે કર્યો જેમાં ૭૭ ટકા લોકોએ હા પાડી હતી.ઑસ્ટ્રેલિયન ન્યુઝના જણાવ્યા પ્રમાણે સ્ટીવ સ્મિથ કંઈક અલગ રીતે વિચારવા માટે જાણીતો છે. હવે તેની કસોટી થશે.ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉના મતે તે છેલ્લાં ૨૦ વર્ષમાં ઑસ્ટ્રેલિયાને મળેલો સૌથી પ્રતિભાશાળી ખેલાડી છે.સ્ટીવ સ્મિથે કહ્યું કે કૅપ્ટન બનવાનું સ્વપ્ન તે હંમેશાં જોતો આવ્યો હતો.