જૅપનીઝ ભાષા શીખી રહેલા ગામનાં બાળકોને ટોક્યોના પ્રોફેસરે પુસ્તકો મોકલી

30 August, 2020 10:22 AM IST  |  Aurangabad | Agencies

જૅપનીઝ ભાષા શીખી રહેલા ગામનાં બાળકોને ટોક્યોના પ્રોફેસરે પુસ્તકો મોકલી

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક અંતરિયાળ ગામમાં જિલ્લા પરિષદ દ્વારા સંચાલિત શાળામાં જૅપનીઝ ભાષા શીખી રહેલા વિદ્યાર્થીઓને ઊગતા સૂર્યના દેશમાંથી સહાય સાંપડી છે.

ટોક્યો સ્થિત એક પ્રોફેસરે આ વિદ્યાર્થીઓ બહેતર રીતે જૅપનીઝ ભાષા શીખી શકે એ માટે ઘણાં પુસ્તકો મોકલ્યાં છે.

ઔરંગાબાદ શહેરથી આશરે ૨૫ કિલોમીટરના અંતરે આવેલા ગાડીવત ગામની સ્થાનિક જિલ્લા પરિષદ દ્વારા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ થકી જૅપનીઝ ભાષા શીખવાનું અને બોલવાનું શરૂ કર્યું, ત્યાર બાદ આ ગામ તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

ગયા સપ્ટેમ્બર મહિનામાં શાળાએ વિદેશી ભાષાઓ શીખવાના કાર્યક્રમ શરૂ કરવાનું નક્કી કર્યું હતું, જે હેઠળ ચોથાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને તેઓ કઈ ભાષા શીખવા ઇચ્છે છે એ પૂછવામાં આવ્યું હતું. મોટા ભાગના વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને ટેક્નૉલૉજીમાં રસ હોવાથી તેમણે જૅપનીઝ ભાષા પસંદ કરી હતી.

ત્યારથી જૅપનીઝ ભાષાના એક સ્થાનિક નિષ્ણાતે વિનામૂલ્યે ઑનલાઇન જૅપનીઝ ભાષા શીખવવાનું શરૂ કર્યું હતું. અત્યારે ૭૦ વિદ્યાર્થીઓ આ ભાષા શીખી રહ્યા છે.

જિલ્લા પરિષદ શિક્ષણ વિસ્તરણ અધિકારી રમેશ ઠાકુરે જણાવ્યું હતું કે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર જૅપનીઝ લૅન્ગ્વેજ ઍન્ડ લિંગ્વિસ્ટિક્સના પ્રોફેસર અને છેલ્લાં ૨૫ વર્ષથી જપાન સ્થાયી થયેલા પ્રોફેસર પ્રશાંત પરદેશીને જાણ થતાં તેમણે આ બાળકો જૅપનીઝ ભાષા બહેતર રીતે શીખી શકે એ માટે જૅપનીઝ અને મરાઠી ભાષા પરનાં પુસ્તકોના ૬ સેટ મોકલ્યા છે.

mumbai mumbai news aurangabad tokyo