ઔરંગાબાદ નામાંતરના મુદ્દે કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષનો વધુ એક હુમલો

18 January, 2021 11:17 AM IST  |  Aurangabad | Gujarati Mid-day Correspondent

ઔરંગાબાદ નામાંતરના મુદ્દે કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષનો વધુ એક હુમલો

ફાઈલ તસવીર

રાજ્યના મહેસૂલ પ્રધાન અને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતે ઔરંગાબાદ શહેરના નામાંતરણ બાબતે બીજેપીની સાથે મહાવિકાસ આઘાડી સરકારમાં મિત્ર પક્ષ શિવસેના પર ગઈ કાલે નિશાન તાક્યું હતું. બીજેપીએ પાંચ વર્ષમાં નામ નહોતું બદલ્યું તો શિવસેનાને મતોની ચિંતા થઈ રહી હોવાથી ઔરંગાબાદનું નામ બદલવા બાબતે રાજકારણ કરાઈ રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે ‘ઔરંગાબાદનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રના રાજકારણમાં ધૂળ ઊડી રહી છે. ઠંડી થઈ ગયેલી કઢીને ફરીથી ઉકાળવાનો કેટલાક સ્વાર્થી લોકો દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. આ બાબતે કૉન્ગ્રેસે પોતાની ભૂમિકા સ્પષ્ટ કર્યા બાદ સલાહ આપનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાંચ વર્ષ એકબીજા સાથે સત્તામાં સહભાગી રહેલા પક્ષો આજે નામાંતરના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે. આ નર્યો ઢોંગ નહીં તો શું છે? કેન્દ્ર અને રાજ્ય એમ બન્ને જગ્યાએ આ પક્ષો સત્તા ભોગવતા હતા ત્યારે તેમને આ મુદ્દો યાદ નહોતો આવ્યો?’

બાળાસાહેબ થોરાતે ઉમેર્યું હતું કે ‘છેલ્લાં અનેક વર્ષથી ઔરંગાબાદમાં સત્તામાં રહેલા આ બન્ને પક્ષોએ શહેરના વિકાસ પર બોલવું જોઈએ. ઔરંગાબાદના રહેવાસીઓની ઉપેક્ષા કરાઈ

રહી છે. મહાનગરપાલિકામાં શિવસેના અને બીજેપી સત્તામાં હોવા છતાં તેમણે જનતાને નિરાશ કરી છે. આથી જ તેઓ ચૂંટણી આવતા જ નામાંતરનો મુદ્દો ઉછાળી રહ્યા છે. આમ કરીને તેઓ જનતાને ભ્રમિત કરી રહ્યા છે. આવું લાંબું ચાલી ન શકે.’

maharashtra aurangabad mumbai mumbai news