OBC ક્વોટા ખતમ થઈ જશે એવા ડરથી યુવાનની આત્મહત્યા, છગન ભુજબળ પરિવારને મળ્યા

13 September, 2025 02:41 PM IST  |  Latur | Gujarati Mid-day Correspondent

છગન ભુજબળ ગઈ કાલે લાતુર જિલ્લાના વંગદારી ગામમાં જઈને OBC ક્વોટા છીનવાઈ જશે એવા ભયથી આત્મહત્યા કરનાર ૩૫ વર્ષના ભરત કરાડના પરિવારને મળ્યા હતા

છગન ભુજબળ સાથે તેમના પક્ષના જ ધનંજય મુંડે પણ હતા

રાજ્યના પ્રધાન અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના નેતા છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે મરાઠા અનામતનો GR દબાણમાં આવીને કાઢ્યો હતો. જોકે અમે અમારા OBCમાંથી તેમને ભાગ નહીં આપીએ. અમે આ બાબતે કોર્ટમાં અને રસ્તા પર આંદોલન કરી બન્ને રીતે લડી લઈશું.’

છગન ભુજબળ ગઈ કાલે લાતુર જિલ્લાના વંગદારી ગામમાં જઈને OBC ક્વોટા છીનવાઈ જશે એવા ભયથી આત્મહત્યા કરનાર ૩૫ વર્ષના ભરત કરાડના પરિવારને મળ્યા હતા. છગન ભુજબળ સાથે તેમના પક્ષના જ ધનંજય મુંડે પણ હતા. ગ્રામવાસીઓને સંબોધતાં છગન ભુજબળે કહ્યું હતું કે ‘આપણે બધા એકસાથે જ રહીશું અને વર્ષો બાદ મળેલી અનામતને જાળવી રાખવા સાથે મળીને લડીશું. એ અનામત આપણી પાસે જ રહેશે. આપણા એ ક્વોટામાંથી કોઈ ભાગ પડાવે એ આપણને નહીં પોસાય. આપણે શું ગુનો કર્યો છે? શું OBCનાં બાળકોને ભણતર અને નોકરી નથી જોઈતાં? સરકારે મરાઠા સમાજને ૨૫,૦૦૦ કરોડની સવલત આપી છે અને OBCને માત્ર ૫૦૦૦ કરોડની, આ વળી ક્યાંનો ન્યાય?’

છગન ભુજબળે OBC સમાજને ઉદ્દેશીને કહ્યું હતું કે અનામતના મુદ્દે કોઈએ આત્મહત્યા ન કરવી.  

maratha reservation latur chhagan bhujbal maharashtra news maharashtra mumbai mumbai news