✕

BJPએ ઑડિયો-ક્લિપને AI ગણાવી એટલે વીફરેલા મનોજ જરાંગેએ શું કહ્યું...

26 October, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સત્તામાં ટકી રહેવું છે એટલે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે ઢાંકપિછોડો કરી રહ્યા છે

મનોજ જરાંગે

શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મનોજ જરાંગેએ બહાર પાડેલી ૫૦૦ કરોડ રૂપિયા અપાયાની ઑડિયો-ક્લિપને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ ગણાવીને મનોજ જરાંગે રાહુલ ગાંધીના ઇશારે કામ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો ત્યાર પછી મનોજ જરાંગેએ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘તમે કોઈ પણ જાતની તપાસ વિના પહેલેથી જ કેવી રીતે ક્લિપને AI જનરેટેડ ગણાવી શકો? આ ક્લિપ સાચી છે એટલે તમે કેટલા પણ પ્રયત્નો કરો હું સમાજ સામે સત્ય લાવીને જ રહીશ અને તમને લાંબા સમય માટે દોડતા કરીશ.’ 

ઉલ્લેખનીય છે કે શનિવારે શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહી હોવાનો આરોપ મૂક્યો ત્યાર પછી BJPના વિધાનસભ્ય પ્રસાદ લાડે સંજય રાઉત બન્ને વચ્ચે તિરાડ ઊભી કરવા માગતા હોવાનું કહ્યું હતું. જોકે જરાંગેએ રવિવારે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સત્તામાં રહેવા માગતા હોવાથી એકબીજાની ભૂલોને છુપાવી રહ્યા છે અને બન્ને એકબીજાનો ઢાંકપિછોડો કરી છે. સત્તામાં રહીને તેઓ અમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને મધદરિયે છોડીને બન્ને મિત્રતા નિભાવી રહ્યા છે એ કેટલા દુર્ભાગ્યની વાત છે.’ 

મરાઠા સમજીને તમને ટેકો આપ્યો એ અમારી ભૂલ?
જરાંગેએ ફરી એકનાથ શિંદે પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘અમે ખૂબ રોળવ્યું છે શું એ અમારી ભૂલ થઈ? શિંદેસાહેબ મરાઠા છે અને જો મરાઠા સમાજને કોઈ આંચ આવી કે કોઈની સાથે દુશ્મનાવટ થઈ તો શિંદેસાહેબ બેઠા છે એમ સમજીને અમે જીવનભર સંઘર્ષ કર્યો એ શું અમારી ભૂલ થઈ? તમે તમારી મિત્રતા સાચવો છો અને અમને મધદરિયે તરછોડી દીધા છે. અમારા જ માણસે અમને આટલું દુઃખ આપ્યું. અમે મરાઠા થયા શું એ અમારી ભૂલ થઈ?’

શું ફડણવીસે જ આ બધું કરાવ્યું છે?
BJPએ આ ક્લિપને AI-જનરેટેડ ગણાવીને એકનાથ શિંદેને ક્લીન ચિટ આપી હોવાને પગલે મનોજ જરાંગેએ દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘જો દેવેન્દ્ર ફડણવીસસાહેબ એકનાથ શિંદેને બચાવી રહ્યા છે એનો અર્થ એ તો નથીને કે દેવેન્દ્ર ફડણવીસે જ આ બધું કરાવ્યું છે? આ વિશે હું સત્ય શોધીને જ રહીશ. ક્લિપ સાચી હતી એટલે જ તમારામાં અંદરોઅંદર ચકમક ઝરી અને તમારે કહેવું પડ્યું કે એકમેક સાથે બાઝવાનું બંધ કરો, એકબીજા સાથે લડાઈ કરીશું તો ફાયદો ત્રીજાને જ થશે. એવું તમે કહ્યું છે તો એનો અર્થ એ કે આ ક્લિપ સાચી છે અને તમારા આવા વર્તનથી આજે આ ક્લિપ ખરી હોવાનું સાબિત પણ થઈ ગયું. તમે બધા સત્ય દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તમારે ફક્ત સત્તા જ ભોગવવી છે.’ 
ઉલ્લેખનીય છે કે શનિવારે મનોજ જરાંગેએ દેવેન્દ્ર ફડણવીસ આ ઑડિયો-ક્લિપની ફૉરેન્સિક તપાસ કરાવે એવી માગણી કરી હતી.

mumbai news mumbai bharatiya janata party manoj jarange patil devendra fadnavis eknath shinde