પૈસા આપ્યા પછીયે ટિકિટ ન મળી

22 May, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીનમાં ધાંધિયાને કારણે પીક અવર્સના સમયે પ્રવાસીઓ થયા હેરાન-પરેશાન

એક ATVMમાં એક કે અન્ય ટેક્નિકલ ફૉલ્ટ આવતાં પ્રવાસીઓનો સમય અને પૈસા બન્ને બરબાદ થયા હતા. તસવીરોમાં વિવિધ ટેક્નિકલ એરર દર્શાવતી ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીનની સ્ક્રીન, ટિકિટ લીધા વગર પ્રવાસ કરવા મજબૂર થનારા હાર્દિક બુધવંત, મશીન ચેક કરતો રેલવે-સ્ટાફ. તસવીરો ઃ યશ રાવલ

ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) ચાલતાં ન હોવાને કારણે છેલ્લા ત્રણ દિવસથી હેરાન થઈ રહેલા લોકોને ગુરુવારે પણ એ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને વારંવાર ફરિયાદ કર્યા છતાં ATVMમાં રહેલી ટેક્ટિકલ ખામીઓ દૂર કરવામાં રેલવેતંત્ર નિષ્ફળ ગયું હોવાને કારણે પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.

બોરીવલી સ્ટેશન અને કાંદિવલી સ્ટેશનથી પ્રવાસ કરતા લોકોની ફરિયાદ છે કે અહીં ૬ ATVMમાંથી ફક્ત બે જ ચાલે છે અને બાકી બધામાં પ્રિન્ટિંગ-એરર છે અથવા તો ‘કૉન્ટેક્ટ બુકિંગ સુપરવાઇઝર’નો મેસેજ દેખાડે છે. એક ATVMમાં તો પ્રવાસીઓ ઑનલાઇન પેમેન્ટ કરી દે છે અને પછી ૧૦ મિનિટ સુધી રાહ જુએ છે છતાં ટિકિટ નથી આવતી. 

આવી જ રીતે પોતાની ટ્રેન મિસ કરીને ટિકિટ વગર પ્રવાસ કરનારા હાર્દિક બુધવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ઑનલાઇન પેમેન્ટ કરીને સાંતાક્રુઝની ટિકિટ બુક કરાવી હતી. પેમેન્ટ ઍક્સેપ્ટ થઈ ગયું હોવા છતાં ટિકિટ બહાર નહોતી આવી. પહેલાં મને લાગ્યું કે પેમેન્ટમાં કોઈ ભૂલ હશે એટલે મેં ફરી પાછી ટિકિટ લીધી છતાં ATVMમાંથી ટિકિટ બહાર નહોતી આવી. મારે ઑફિસ જવામાં મોડું થતું હતું અને ટાઇમ વેસ્ટ થઈ ગયો હતો અને બાકી કાઉન્ટરની લાઇન લાંબી હતી એટલે અંતે મારે ટિકિટ વિના જ પ્રવાસ કરવો પડ્યો.’

પ્રવાસીઓના નંબર લઈને પેમેન્ટ પાછું આપવાનો વાયદો

અનેક પ્રવાસીઓએ પેમેન્ટ કર્યા છતાં ટિકિટ ન મળતાં બુકિંગ સુપરવાઇઝરને ફરિયાદ કરવામાં આવી હતી જેને પગલે અંતે રેલવેના સ્ટાફે બહાર આવીને જેમણે પેમેન્ટ કર્યું તેમના મોબાઇલ નંબર લીધા હતા અને તેમણે ચૂકવેલા ટિકિટના પૈસા રેલવે ફરી ચૂકવી દેશે એવો વાયદો કર્યો છે. જોકે ઘણા પ્રવાસીઓ મોડું થતું હોવાને કારણે પોતાનો નંબર આપવા લાઇનમાં ઊભા રહેવાને બદલે ટ્રેન પકડીને જતા રહ્યા હતા.

mumbai news mumbai kandivli borivali western railway