કાંદિવલીમાં ગુજરાતી સિનિયર સિટિઝન પર રહસ્યમય હુમલો

27 July, 2012 05:21 AM IST  | 

કાંદિવલીમાં ગુજરાતી સિનિયર સિટિઝન પર રહસ્યમય હુમલો

કાંદિવલી (વેસ્ટ)માં સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર આવેલા શ્રીજી બિલ્ડિંગમાં છઠ્ઠા માળે રહેતાં ૭૪ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝન રંજન ભુતા પર ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે બે મહિના પહેલાં તેમના ઘરે રંગકામ કરનારા એક કારીગરે તેના બે સાથીદારો સાથે મળીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં રંજનબહેનના માથામાં ફ્રૅક્ચર આવતાં તેમને કાંદિવલીની એક હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે. રંજનબહેને પહેરેલા દાગીના કે પછી ઘરમાંના કબાટમાં પડેલા લાખો રૂપિયા લીધા વગર જ હુમલાખોરો નાસી ગયા હતા. આમ આ હુમલા પાછળનું સાચું કારણ જાણવા મળ્યું નથી. આ વિશે કાંદિવલી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

રંજનબહેનના ૪૯ વર્ષના પુત્ર અને જાણીતા નાટ્યલેખક મિહિર ભુતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારાં મમ્મીને ગઈ કાલે આઇસીયુમાં મળવા ગયો હતો. બે મહિના પહેલાં પણ અમારા ઘરે પેઇન્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું. મારી મમ્મીએ મને કહ્યું હતું કે ગઈ કાલે તે જ પેન્ટર તેના બે સાથીદારો સાથે ઘરે આવ્યો હતો. એ વખતે તેણે મમ્મી પાસે પીવા માટે પાણી માગ્યું હતું એથી તેમણે તેને લોટામાં પાણી આપ્યું હતું. પાણી પીધા બાદ તેઓ અચાનક મમ્મીનું ગળું દબાવવા લાગ્યા અને તેમના માથા પર લોટા વડે માર્યું હતું. દરમ્યાન મમ્મી બેભાન થઈ ગઈ હતી, પણ અડધો કલાક બાદ હોશ આવતાં તેમણે મારી વાઇફને ફોન કરીને બોલાવી લીધી હતી.’

તેમને કાંદિવલીમાં આવેલી એક હૉસ્પિટલમાં બપોરના બે વાગ્યે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સદ્નસીબે તેમનો જીવ બચી ગયો હતો.

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ