એમએનએસના નેતા પરના હુમલાનું સત્ય જલદી બહાર આવશે

06 March, 2023 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પકડવામાં આવેલા આરોપીઓની પૂછપરછ કરાઈ રહી હોવાનું કહ્યું

ઈશાન મુંબઈ લોકસભા બેઠક ક્ષેત્રમાં ગઈ કાલે બીજેપી દ્વારા આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી (તસવીર : શાદાબ ખાન)

રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નિવનિર્માણ સેના (એમએનએસ)ના નેતા સંદીપ દેશપાંડે પર દાદરમાં કરવામાં આવેલા હુમલા વિશે નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘આ હુમલાનું સત્ય જલદી બહાર આવશે. અત્યારે પકડવામાં આવેલા ચાર આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.’

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે અમરાવતીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એમએનએસના નેતા સંદીપ દેશપાંડે પર દાદરમાં કરવામાં આવેલા હુમલામાં ચાર આરોપીની ધરપકડ કરાયા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી છે. આથી આ હુમલાની પાછળ કોણ છે એ સત્ય જલદી બહાર આવશે. ખુદ સંદીપ દેશપાંડેએ પણ હુમલા પાછળના લોકોનો સંકેત આપ્યો છે.’

એનસીપીના ચીફ શરદ પવારે બીજેપી દ્વારા સરકારી યંત્રણાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું કહ્યું હતું તેમ જ દેશભરના વિરોધ પક્ષના ઉદ્ધવ ઠાકરે સહિતના નવ નવ નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આવો આરોપ કર્યો છે. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કોઈ પણ યંત્રણાનો દુરુપયોગ નથી કરાઈ રહ્યો. જેમણે ખોટી રીતે રૂપિયા બનાવ્યા છે તેમની સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ન્યાય ન મળે તો કોર્ટ છે. વિરોધ પક્ષના નેતાઓ સરકારી યંત્રણાનો દુરુપયોગ થયો હોય એનું એક ઉદાહરણ તો આપે. બીજું, વિરોધ પક્ષમાંથી બીજેપીમાં આવેલા નેતાઓની તપાસ બંધ થતી હોવાનો આરોપ તેઓ કરી રહ્યા છે. બીજેપી કે સરકાર દ્વારા આવી કોઈ તપાસ બંધ નથી કરાઈ. ખોટું કરનારા બીજેપીમાં હોય કે બીજે ક્યાંય, તપાસ બંધ નહીં થાય.’

બીજેપી-શિંદે સેનાની ધનુષ સાથે આશીર્વાદ યાત્રા
મુંબઈમાં મતદારો સાથે સીધો સંપર્ક કરવા માટે બીજેપી અને શિંદે સેના દ્વારા ગઈ કાલથી મુંબઈમાં લોકસભાની બેઠકોમાં અયોધ્યાથી લાવવામાં આવેલા ધનુષબાણ સાથે આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ આશીર્વાદ યાત્રાને મુંબઈની છ લોકસભા બેઠકોમાં બે-બેના ભાગમાં વહેંચવામાં આવી છે. ગઈ કાલે પહેલા ભાગમાં ઈશાન મુંબઈ અને મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા બેઠકોમાં બે જુદી-જુદી યાત્રા કાઢવામાં આવી હતી. ૯ અને ૧૧ માર્ચે ઉત્તર મુંબઈ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ દક્ષિણ મધ્ય અને દક્ષિણ મુંબઈ લોકસભા બેઠક ક્ષેત્રમાં આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં થયેલી લોકસભાની ચૂંટણી બીજેપી અને શિવસેનાએ યુતિમાં લડી હતી અને બંને પક્ષે મુંબઈની ૩-૩ લોકસભા બેઠકમાં વિજય મેળવ્યો હતો. બીજેપી પાસે મુંબઈની ઉત્તર મુંબઈ, ઈશાન મુંબઈ અને મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા છે, જ્યારે શિવસેના પાસે મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ દક્ષિણ મધ્ય અને મુંબઈ દક્ષિણની બેઠકો હતી. આમાંથી મુંબઈ દક્ષિણ મધ્યના સાંસદ રાહુલ શેવાળે અને મુંબઈ ઉત્તર પશ્ચિમના સાંસદ ગજાનન કીર્તિકર હવે એકનાથ શિંદેની શિવસેના સાથે છે, જ્યારે દક્ષિણ મુંબઈના સાંસદ અરવિંદ સાવંત ઉદ્ધવ ઠાકરે જૂથમાં કાયમ છે.

mumbai mumbai news maharashtra indian politics maharashtra navnirman sena devendra fadnavis raj thackeray