કલર્સની બે ઑફિસો પર હુમલો બે સેનાનો

14 September, 2012 07:54 AM IST  | 

કલર્સની બે ઑફિસો પર હુમલો બે સેનાનો



ટીવીચૅનલના સંગીતના મુકાબલામાં પાકિસ્તાની કલાકારોને લેવાના મુદ્દે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનર્મિાણ સેનાએ વિરોધ કર્યા પછી શોના પ્રસારણ માટે મંજૂરી આપી દીધી હતી, પણ આ મુદ્દાને આગળ કરીને પ્રચાર મેળવવા માટે શિવસેના અને સ્વરાજ સેનાએ વિરોધ ચાલુ જ રાખ્યો હતો. આ કારણોને લીધે  અંધેરી  અને પાર્લાની કલર્સ ચૅનલની ઑફિસ પર હુમલો થયો હતો. ‘સુરક્ષેત્ર’ શોનું પ્રસારણ કરનારી કલર્સ ચૅનલની બે ઑફિસ પર ગુરુવારે રાત્રે હુમલાના બે બનાવ બન્યા હતા. અંધેરી-ઈસ્ટમાં આવેલી કલર્સ ઑપરેશન ઑફિસ પર ૧૦થી ૧૫ જણે લાઠી-સળિયા લઈને હુમલો કર્યો હતો. અંધેરી પોલીસ-સ્ટેશનના અધિકારીએ પોતાનું નામ ન જણાવવાની શરતે મિડ-ડે Localને કહ્યું કે ‘આ હુમલાવરો શિવસૈનિકો હતા. રાત્રે સાડાઆઠ વાગ્યે આ ઘટના બની હતી, પણ આવી રીતે ભાંગફોડના આરોપસર અમે શુક્રવારે રાત સુધીમાં આઠ શિવસૈનિકોની ધરપકડ કરી હતી.’

વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના અધિકારીએ વધુ જાણકારી આપતાં મિડ-ડે Localને કહ્યું કે ‘ગુરુવારે મોડી રાતે કલર્સ નેટવર્કની વિલે પાર્લેની ઑફિસ પર બે બાઇકસવારોએ પથ્થરમારો કર્યો હતો. આ બે જણ સ્વરાજ સેનાના કાર્યકરો હોવાનું જણાય છે, પણ આ વિશે કોઈની ધરપકડ નથી કરી.’

શિવસેનાના વિધાનપરિષદના સભ્ય અનિલ પરબે આ ઘટના વિશે વધુ જાણકારી આપતાં મિડ-ડે Localને કહ્યું કે ‘કલર્સની ઑફિસ પર હુમલો શિવસૈનિકોએ કર્યો હોય એવી અમને જાણ નથી. આમ છતાં પાકિસ્તાની કલાકારોને અહીં આવવાનું આમંત્રણ આપનારાઓએ સમજી લેવું જોઈએ કે તેમણે ભારતના લોકોની લાગણી દુભાવી છે.’

સ્વરાજ સેનાના નેતા સ્વપ્નિલ તુર્ગેએ આ ઘટના વિશે વધુ જાણકારી આપતાં મિડ-ડે Localને કહ્યું કે ‘વિલે પાર્લેની ઑફિસ પર રાત્રે જે હુમલો થયો હતો એમાં અમારા માણસોનો હાથ છે એ હું માનું છું, પણ મારી પાર્ટી ટીવી-શોમાં અથવા તો ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોને લેવા સામે વિરોધ ચાલુ જ રાખશે. મારા વિરોધનો પાકિસ્તાની કલાકારો શું પ્રતિસાદ આપે છે એ જોયા પછી જ હું આગળ પગલું ભરીશ.’