ભાજપના કિરીટ સોમૈયાની કાર પર હુમલોઃ સોમૈયાએ શિવસૈનિકો પર લગાવ્યો આ આરોપ

24 April, 2022 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેમણે આરોપ લગાવ્યો કે શિવસેનાના ગુંડાઓ તેને મારવા માગે છે.

ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કિરીટ સોમૈયાની કાર પર શનિવારે રાત્રે હુમલો થયો હતો. આ હુમલો શિવસૈનિકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં શિવસેનાના એક કાર્યકર્તાએ તેમની કાર પર ચંપલ અને પાણીની બોટલો ફેંકી હતી. ઘટના દરમિયાન શિવસૈનિકોએ તેમની કારને ઘેરી લીધી હતી, આ દરમિયાન કારનો કાચ પણ તૂટી ગયો હતો. દરમિયાન કારમાં બેઠેલા સોમૈયાને ઈજા થઈ હતી, તેમના મોઢામાંથી લોહી નીકળ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે શિવસેનાના ગુંડાઓ તેને મારવા માગે છે.

સોમૈયાએ રાત્રે પત્રકારોને જણાવ્યું હતું કે “મુંબઈ પોલીસે અગાઉ તેમની એફઆઈઆર નોંધવાની ના પાડી હતી. તેમણે તેના બદલે બોગસ કેસ દાખલ કર્યો, એમ કહીને કે માત્ર એક જ પથ્થર ફેંકવામાં આવ્યો હતો. 70થી 80 શિવસૈનિકોએ મારા પર હુમલો કર્યો, પરંતુ મારા તરફથી માહિતી આપ્યા બાદ પણ ખાર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ત્રીજી વખત છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મને મારવાનો પ્રયાસ કર્યો.”

વાસ્તવમાં, ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા શનિવારે રાત્રે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની એસયુવીને ઘેરી અને શિવસેનાના કાર્યકરો દ્વારા તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

બીજેપી નેતાએ ટ્વિટ કર્યું હતું કે તે શિવસેનાના ‘ગુંડાઓ’ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયા છે. જોકે, સોમૈયાની ફરિયાદના આધારે બાદમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. સોમૈયા અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મળવા પોલીસ સ્ટેશન ગયા હતા.

મુંબઈ પોલીસે શનિવારે સાંજે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેના અપક્ષ ધારાસભ્ય પતિ રવિ રાણાની "વિવિધ જૂથો વચ્ચે નફરત ફેલાવવાના" આરોપમાં ધરપકડ કરી હતી. મુંબઈ ઉપનગર ખારમાં બંને નેતાઓના ઘરની સામે દિવસભર ચાલેલા ઘટનાક્રમ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન `માતોશ્રી`ની સામે દંપતીએ હનુમાન ચાલીસાના પાઠ કરવાની યોજના મુલતવી રાખ્યાના કલાકો પછી ધરપકડ કરવામાં આવી હતી.

mumbai mumbai news kirit somaiya bharatiya janata party shiv sena