બીજેપીના ગઢમાં વાજપેયીના જન્મદિવસની ઉજવણી નીરસ

28 December, 2011 08:51 AM IST  | 

બીજેપીના ગઢમાં વાજપેયીના જન્મદિવસની ઉજવણી નીરસ

 

આ કૅમ્પનું આયોજન ઘાટકોપર-ઈસ્ટનાં બીજેપીનાં વાઇસ-પ્રેસિડન્ટ ફાલ્ગુની દવે દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક રહેવાસીઓને બીજેપીના ગઢ સમા ઘાટકોપરમાં અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી નીરસ લાગી હતી.

આ વિશે માહિતી આપતાં ફાલ્ગુની દવેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૨૫ ડિસેમ્બરે રવિવારે બીજેપીના નેતા અટલ બિહારી વાજપેયીના ૮૮મા જન્મદિવસની ઉજવણી અમે ઘાટકોપર-ઈસ્ટના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતાના માર્ગદર્શન અને ગારોડિયાનગર-રાજાવાડી વિસ્તારના વૉર્ડ નંબર ૧૨૭ના નગરસેવક ભાલચંદ્ર શિરસાટની રાહબરી હેઠળ મેડિકલ-કૅમ્પનું આયોજન કરી કરવાનું નક્કી કર્યું હતું. સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ચાલેલા આ કૅમ્પમાં ફ્રી આઇ ચેક-અપ, ફક્ત ૫૦ રૂપિયામાં ચશ્માંનું વિતરણ, મફતમાં મોતિયાંનું ઑપરેશન, ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર ચેક-અપ કરવામાં આવ્યું હતું. આઇ ચેક-અપમાં જેમને મોતિયાંનાં ઑપરેશનની જરૂર હતી તેવી વ્યક્તિઓનું સોમૈયા હૉસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ લાયન્સ ક્લબ દ્વારા ફાલ્ગુની દવે કરશે.’

આ કાર્યક્રમમાં નગરસેવક ભાલચંદ્ર શિરસાટ, બીજેપી મુંબઈના જનરલ સેક્રેટરી અશ્વિન વ્યાસ, ઘાટકોપર-ઈસ્ટના બીજેપી જનરલ સેક્રેટરી વિકાસ કામત, વૉર્ડ નંબર ૧૨૭ના બીજેપી પ્રેસિડન્ટ દિનેશ ભટ્ટ અને બીજેપીના અનેક પદાધિકારીઓ તથા ઘાટકોપરની સંસ્થાઓના મહાનુભાવોએ હાજરી આપી હતી.

સ્થાનિક રહેવાસીઓએ બીજેપી-નેતાના જન્મદિવસની ઉજવણીના પ્રત્યાઘાત આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બીજેપીના ગઢ સમા ઘાટકોપરમાં જે રીતે લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રાનું સ્વાગત થયું હતું એ રીતે જ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ પણ ઘાટકોપરના બીજેપીના કાર્યકરો હોંશપૂર્વક ઊજવશે એવી અમારી માન્યતા હતી, પરંતુ એ ઉત્સાહ-ઉમંગ તેમના જન્મદિવસે જોવા મળ્યો નહોતો. રસ્તાઓ પર અટલ બિહારી વાજપેયીના જન્મદિવસનાં વધામણાં આપતાં બૅનરોમાં પણ કંજૂસાઈ કરવામાં આવી હતી. એકંદરે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે નીરસતા હતી.’