આફતના સમયે કવીઓ દેરાવાસી જૈન મહાજન વાડીમાં ૧૦૦થી વધુ લોકોને અપાયો આશરો

07 August, 2020 01:00 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આફતના સમયે કવીઓ દેરાવાસી જૈન મહાજન વાડીમાં ૧૦૦થી વધુ લોકોને અપાયો આશરો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કારણે કરાયેલા લૉકડાઉન બાદ મિશન બિગિન અગેઇન હેઠળ પાંચ ઑગસ્ટે હજી રોડની બન્ને બાજુની દુકાનો રોજ ખોલવાની પરવાનગી મળી અને માંડ લોકો તેમના કામધંધા પર ચડી સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મુંબઈમાં બુધવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે અનેક મુંબઈગરાઓની હાલત કફોડી થઈ ગઈ હતી. એમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ટ્રૅક પર પણ પાણી ભરાઈ ગયાં હોવાથી ટ્રેનો પણ લાંબો સમય બંધ રહી હતી. રોડ પર ભરાયેલા પાણીના કારણે અનેક લોકો જે પોતાના સ્કૂટર, બાઇક કે પછી કારમાં નીકળ્યા હતા એ લોકો પણ અટવાઈ ગયા હતા. અનેક લોકોનાં વાહનો બંધ પડી ગયાં હતાં. ભારે વરસાદના કારણે દુકાનો પણ બંધ હતી અને હોટેલો પણ બંધ હતી. આવા સમયે કચ્છી વીસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજને લોકોને મદદનો હાથ લંબાવ્યો હતો. મહાજને તેમની વાડીઓમાં તેમને ચા-નાસ્તા-જમવાની અને રાતવાસો કરવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.
આ વિશે માહિતી આપતાં કવીઓ દેરાવાસી જૈન મહાજનના સેક્રેટરી સીએ અશોક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે અનેક લોકો અટવાયા છે એવી જાણ થતાં અમે પદાધિકારીઓએ તેમને મદદ કરવા સાંજે પાંચ વાગ્યે નિર્ણય લઈ લીધો અને ૫.૩૦થી ૬ની આસપાસ એ બદલનો મેસેજ ગ્રુપ પર મૂકી દીધો જે વાંચીને ધીમે-ધીમે જે લોકો અટવાયા હતા એ લોકો આવવાના ચાલુ થઈ ગયા હતા. ચિંચબંદર મહાજનની વાડીમાં લગ્નનો હૉલ છે એ હૉલમાં પુરુષો માટે કાઢી આપ્યો હતો. જ્યારે વરવધૂ માટેની બે મોટી રૂમ મહિલાઓને ફાળવવામાં આવી હતી. અમારો ૮ કર્મચારીઓનો સ્ટાફ છે, જે ત્યાં જ રહે છે. એ લોકોને કહી તરત જ રસોઈ બનાવડાવી હતી. ખીચડી, કઢી, પાપડ, સૂકો ચેવડો, ચા-કૉફી પણ તૈયાર કરાવ્યાં હતાં.’
મદદના કાર્યમાં કોઈ નાતજાતનો ભેદ રખાયો નહોતો. કચ્છી, ગુજરાતી, મારવાડી, મરાઠી, સાઉથ ઇન્ડિયન એમ બધાને જ આશરો અપાયો હતો જેમાં મહિલાઓની પણ સંખ્યા નોંધપાત્ર હતી. પણ સાવચેતી ખાતર રજિસ્ટર રાખ્યું હતું. આવનારે તેનું નામ, મોબાઇલ-નંબર લખવાનાં રહેતાં. એ ઉપરાંત આધાર કાર્ડ અથવા પૅનકાર્ડ અથવા આઇડી કાર્ડ ચેક કરીને જ તેમને અંદર લેવાતા હતા. બધાને ભોજન અપાયું હતું. ઘણા લોકો આવ્યા, જમ્યા, ફ્રેશ થયા. થોડી વાર આરામ કર્યો અને નીકળી ગયા. જ્યારે ૯૦ જેટલા લોકોએ રાતવાસો કર્યો હતો. તેમના સૂવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. તેઓ સવારના ચાર-પાંચ વાગ્યા પછી ધીમે- ધીમે તેમના ઘરે જવા નીકળી ગયા હતા. અમારી ચિંચપોકલીમાં પણ વાડી છે ત્યાં, સાંતાક્રુઝ અને માટુંગામાં હૉસ્ટેલમાં પણ આ રીતે અટવાયેલા લોકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પાણી ભરાવાની સમસ્યા અને અન્ય કારણોને લીધે વધુ લોકો પહોંચ્યા નહોતા.’

mumbai mumbai news