માસ્ક ​વિના બિન્દાસ

17 October, 2020 09:49 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

માસ્ક ​વિના બિન્દાસ

ક્રૉફર્ડ માર્કેટમાં માસ્ક પહેર્યા વિના બિઝનેસ કરતા દુકાનદારો.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની કાર્યવાહી અંતગર્ત માસ્ક પહેરવા બાબતે જનજાગૃતિ લાવવા માટે તેમ જ માસ્ક ન પહેરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીને વધુ આકરી કરવાનો નિર્દેશ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલે ૩૦ સપ્ટેમ્બરે આપ્યો હોવા છતાં ક્રૉફર્ડ માર્કેટ વિસ્તારમાં અને ખાસ કરીને તેની અંદર આવેલી સહારા માર્કેટના કેટલાય દુકાનદારો માસ્ક પહેર્યા વગર બિન્દાસપણે બિઝનેસ કરતા હોવાનું જણાયા બાદ ગઈ કાલથી પાલિકાએ આવા દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
સામાન્ય નાગરિક માસ્કને નાક ઉપરથી જરા પણ હટાવે તો મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમને બસો રૂપિયાનો દંડ કરે છે ત્યારે સહારા માર્કેટમાં તો દુકાનદારો માસ્ક પહેર્યા વિના, કોઈ પણ જાતના ડર વિના ધંધો કરે છે, તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી એવો સવાલ કરતાં કિશોર સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાજેતરમાં રસ્તામાં જઈ રહેલા એક વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમણે થોડા સમય માટે માસ્ક હટાવ્યો હતો ત્યારે પાલિકાની ટીમે એ વૃદ્ધાને ૨૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના મારી નજર સમક્ષ બની હતી. બીજી બાજુ, સહારા માર્કેટમાં નાની-નાની ગલીઓમાં એક હજારથી વધારે દુકાનો છે, જેમાંથી ત્રીસ ટકા દુકાનદારો જ માસ્ક પહેરે છે, બાકીના માસ્ક પહેરતા નથી. માસ્ક પહેરવા બાબતે દુકાનદારોમાં ક્યારે ગંભીરતા આવશે? માસ્ક પહેરશે તો કોરોનાથી પોતે પણ બચી શકશે અને કસ્ટમરો પણ.’

જે દુકાનદારો માસ્ક પહેર્યા વગર ધંધો કરી રહ્યા છે તેવા દુકાનદારો પર અમે ગઈ કાલથી કાર્યવાહી શરૂ કરી છે.- ચંદા જાધવ,  એ-વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 

mumbai news mumbai crawford market