મુલુંડવાસીઓ સાવધાન - બોરીવલીનો બદનામ જ્યોતિષી હવે તમારા આંગણે આવી ગયો છે

27 September, 2011 08:26 PM IST  | 

મુલુંડવાસીઓ સાવધાન - બોરીવલીનો બદનામ જ્યોતિષી હવે તમારા આંગણે આવી ગયો છે

 

 

ખુદને રાજ જ્યોતિષી તરીકે ઓળખાવતા બિપિન વ્યાસ સામે મહિલાના વિનયભંગની ફરિયાદ પણ થયેલી છે

 

સપના દેસાઈ

 

દોઢેક મહિના પહેલાં જ મુલુંડ-વેસ્ટમાં પોતાની દુકાન ખોલનારો બિપિન વ્યાસ સમસ્યાના નિરાકરણ માટે આવેલી મહિલાનો વિનયભંગ કરવાના આરોપસર બોરીવલી પોલીસ-સ્ટેશનની હવા પણ ખાઈ ચૂક્યો છે.

બોરીવલીમાં અનેક લોકોને છેતરનારા બિપિન બાબુલાલ વ્યાસ ઉર્ફે રાજ જ્યોતિષીએ મુલુંડ-વેસ્ટમાં મીરાણીનગરમાં આવેલી શ્રદ્ધા હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં એક નાનકડી દુકાન ભાડેથી રાખી છે. દુકાન પર જોકે તેણે પોતાના નામનું કોઈ ર્બોડ લગાવ્યું નથી એટલે દૂરથી જલદી કોઈને ધ્યાનમાં આવતું નથી, પણ હૉસ્પિટલમાં થતી અવરજવરને કારણે ત્યાં આવનારાં દરદીઓ તેમ જ તેમનાં સગાંસંબંધીઓનું ધ્યાન તેની દુકાન તરફ જરૂર જાય છે અને તેને ગ્રાહક મળી રહે છે. એ સિવાય તેણે મુલુંડનાં લોકલ છાપાંઓમાં પણ પોતાને જ્યોતિષી કહેવડાવતી અને સમસ્યાનું નિરાકરણ ચપટી વગાડતાં કરી આપવાની જાહેરાતો આપી છે જે વાંચીને પણ અનેક લોકો તેની પાસે પહોંચી જાય છે અને છેતરપિંડીનો ભોગ બને છે.


બોરીવલીમાં દસેક વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ ભાડેથી દુકાન લઈને અનેક લોકોને છેતરી ચૂકેલા રાજ જ્યોતિષી સામે ફરિયાદ કરવા કોઈ આગળ નહોતું આવતું. જોકે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં મોટું ઘર લેવાની ઇચ્છા સાથે સારા ઘરની એક મહિલા તેની પાસે ગઈ તો  સમસ્યાના નિરાકરણ માટે ઘણા રૂપિયાનો ખર્ચ કરવો પડશે અને ત્યાર બાદ લૉટરી લાગતાં તેની તકલીફ દૂર થઈ જશે એવું રાજ જ્યોતિષીએ કહેતાં મહિલા તરત માની ગઈ હતી. એ સમયે રાજ જ્યોતિષીએ પહેલી વાર મહિલાની પીઠ અને છાતી પર હાથ ફેરવ્યો હતો, પણ એ વખતે મહિલા ચૂપ રહી. ત્યાર બાદ બે વાર રાજ જ્યોતિષીએ તેનો વિનયભંગ કર્યો હતો અને મહિલાએ ફરિયાદ કર્યા બાદ તેને બોરીવલીપોલીસ પકડી ગઈ હતી. જામીન પર છૂટ્યા બાદ તેણે ફરીથી પોતાની દુકાન ચાલુ કરી દીધી હતી અને હવે દોઢેક મહિનાથી તેણે મુલુંડમાં દુકાન ખોલી છે.

બિપિન વ્યાસ ઉર્ફે રાજ જ્યોતિષીએ આ બાબતે જ્યારે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્એ સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘જેલમાં ગયો અને છૂટી ગયો એ વાતને તો હવે દસેક મહિના થઈ ગયા છે. એ બધી વાતો હવે જૂની થઈ ગઈ છે. હું તો જેલમાંથી છૂટ્યો એના બીજા દિવસથી જ મારી બોરીવલીની દુકાનમાં બેસી ગયો હતો અને મારી પાસે ક્લાયન્ટ આવવાના શરૂ થઈ ગયા હતા. જો ખરેખર મેં એવું કર્યું હોત તો મારા જેલમાંથી છૂટ્યા બાદ પણ લોકો મારી પાસે શું કામ આવે? મારી સામેના આક્ષેપો ખોટા હતા. મારી ઉંમર હવે ૬૦ વર્ષની થઈ ગઈ છે. આ ઉંમરે હું  આવાં કાળાં કામ થોડાં કરીશ? મારી દુકાન સારી રીતે ચાલતી હતી એ જોઈ ન શક્યો એવા એક વિઘ્નસંતોષીએ પેલી મહિલાને મારી પાસે મોકલીને મને ફસાવી દીધો હતો.’

કઈ રીતે લોકોને છેતરે છે?


રાજ જ્યોતિષી લોકોને છેતરવા માટે જાહેરખબરમાં મોટા અક્ષરે લખાવે છે કે ‘ફી લેવામાં આવતી નથી’, પણ  કુંડળી જોયા પછી તરત જ પ્રશ્નના નિરાકરણ માટે એક નહીં તો બીજા રસ્તે તે પૈસા માગી લે છે. કોઈને કહે કે તમારી સમસ્યા ફલાણા ગ્રહના નડતરને કારણે થાય છે એટલે એનો ઉપાય કરવો પડશે.

કોઈને કહે પાંચ કિલો ચોખ્ખા ઘીમાં કાળી જીરીનો પાંચ કિલો લોટ અને પાંચ કિલો ગોળ ભેળવી ચૂરમાના લાડુ બનાવીને દરિયામાં રાતના સમયે પધરાવવા કહે અને એ પધરાવતી વખતે આંખો બંધ રાખી નવ વખત ગાયત્રી મંત્ર બોલવા કહે. લોકોને આ પ્રકારના લાડવા બનાવવાની કડાકૂટથી બચવું હોય તો તે લાડવા બનાવી આપશે એમ કહીને તે પૈસા પડાવી લે છે. લોકો પણ તેનામાં વિશ્વાસ મૂકીને પોતાનું કામ થઈ જશે એમ ધારીને તે જે કહે એ માની લે છે એટલું જ નહીં, લોકોને તે પૂરા કૉન્ફિડન્સ સાથે લખીને આપે છે કે જો કામ ન થાય તો પૈસા પાછા લઈ જજો.