‘અસ્તાદ દેબુ એક જિપ્સી જેવા હતા’

11 December, 2020 09:42 AM IST  |  Mumbai | Sukanya Datta

‘અસ્તાદ દેબુ એક જિપ્સી જેવા હતા’

અસ્તાદ દેબુ

ભારતીય અને પશ્ચિમી નૃત્ય ટેક્નિકનું મિશ્રણ કરવા માટે જાણીતા સમકાલીન ભારતીય નૃત્યકાર અસ્તાદ દેબુનું ગુરુવારે ૭૩ વર્ષની વયે નિધન થયું હતું. કથક તથા કથકલી જેવાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોના સંયોજનથી અનોખું ફ્યુઝન રચવા માટે તેઓ જાણીતા હતા.

કન્ટેમ્પરરી ડાન્સર ઍશ્લી લોબોએ કહ્યું હતું કે હું ૧૫-૧૬ વર્ષનો હતો ત્યારથી અસ્તાદ દેબુને ઓળખતો હતો. એ સમયે તેઓ કન્ટેમ્પરરી ડાન્સર તરીકેની તેમની સફર પ્રસ્થાપિત કરી રહ્યા હતા.

કારકિર્દી માટે નૃત્યને પસંદ કરવું એ એ દિવસોમાં એક સાહસભર્યું પગલું હતું. તેમણે ભારતીય નૃત્ય શૈલીની તાલીમ મેળવી અને સાથે જ પોતાની કળા ખોળવા માટે તેઓ વિશ્વભરમાં ફર્યા – એ સમયે એક ભારતીય કલાકાર માટે આ સરળ નહોતું. તેઓ એક બિનપરંપરાગત કલાકાર હતા, જે મને ખૂબ ગમતું. હું જ્યારે પણ અસ્તાદને મારા પ્રીમિયર વિશે જણાવતો ત્યારે તેઓ અચૂક હાજર રહેતા અને તેમના વિચારો જણાવતા.

તેમણે જે અપવાદરૂપ કાર્ય કર્યું હતું તે એ કે તેમણે પરંપરાગત નૃત્ય શૈલીઓ અપનાવી, એની સીમાઓ તોડી અને એને આંતરરાષ્ટ્રીય ફલક પર વિશ્વભરના ઑડિયન્સ સુધી પહોંચાડી. ભારતીય કળા માટે કરાયેલી આ અભૂતપૂર્વ સેવા છે.

તેમણે હંમેશાં સીમાઓ વિસ્તારી પછી એ નૃત્ય હોય, સ્થળો હોય કે પોષાક હોય. મારું માનવું છે કે તેઓ એક યુનિવર્સલ જિપ્સી હતા જેઓ ભારતમાં જન્મ્યા. પોતાના મૂળની ફિલોસૉફી અને પ્રકૃતિ સમજ્યા અને એને વૈશ્વિક ભાષામાં રૂપાંતરિત કરી. સાથે જ તેમનું હૃદય ઘણું ઉદાર હતું, જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ પડખે ઊભા હોય.

મારા શોમાં હું તેમના ચહેરાને મિસ કરીશ. શો બાદ તેમની પાસે જવાનું અને તેમના સુંદર સ્મિતને મિસ કરીશ. તેઓ સ્પષ્ટવક્તા હતા. પણ સૌથી વધુ તો હું તેમના જ્ઞાન, તેમના અનુભવને મિસ કરીશ. અસ્તાદ હવે આપણી વચ્ચે નથી એ વિચાર વિચલિત કરી મૂકનારો છે.

mumbai mumbai news