10 April, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાણગંગા વિસ્તારમાં ઊભું કરાયેલું ઍસ્પિરેશનલ ટૉઇલેટ, પુરુષ ટૉઇલેટ, મહિલા ટૉઇલેટમાં સૅનિટરી નૅપ્કિન વેન્ડિંગ મશીન અને બેબી ફીડિંગરૂમ પણ ઉપલબ્ધ છે.
BMCએ સાઉથ મુંબઈના અમુક વિસ્તારોમાં મૉલ અને મોટા કમર્શિયલ કૉમ્પ્લેક્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતાં ૭ ‘ઍસ્પિરેશનલ’ (મહત્ત્વાકાંક્ષી) પબ્લિક ટૉઇલેટ શરૂ કર્યાં છે. BMC દ્વારા આ હાઈ-ટેક સુવિધાઓ લાયન ગેટ, બૉમ્બે હાઈ કોર્ટ, વિધાનભવન, વાલકેશ્વર મંદિર પાસે બાણગંગા, ફૅશન સ્ટ્રીટ અને માહિમ ચોપાટી જેવાં સ્થળો પર ઊભી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોવાથી સ્વચ્છતા અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવી છે અને આ સુવિધાનો ઉપયોગ કરવા માટે નાગરિકોએ માત્ર પાંચ રૂપિયા જેવો નજીવો ચાર્જ ચૂકવવો પડશે.
આ ટૉઇલેટ્સની મુખ્ય વિશેષતા એ છે કે એમાં શારીરિક રીતે અક્ષમ લોકો માટે વિશેષ વ્યવસ્થા તેમ જ પુરુષો, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે અલગ યુરોપિયન સ્ટાઇલ સીટની સુવિધા અપાઈ છે. ખાસ કરીને મહિલાઓ માટે સૅનિટરી નૅપ્કિન વેન્ડિંગ અને ડિસ્પોઝલ મશીન, ડ્રેસિંગરૂમ અને બેબી ફીડિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત ટેક્નૉલૉજીના ઉપયોગ સાથે હૅન્ડ-ડ્રાયર, સોલર પૅનલ, કૉમન એરિયામાં CCTV કૅમેરા અને UV ડિજિટલ પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાઉથ મુંબઈમાં ખાસ કરીને કોલાબામાં દિવસ દરમ્યાન આશરે ૪૦ લાખ જેટલા લોકોની અવરજવર હોય છે એટલે પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. આગામી એક વર્ષમાં સર્વેના આધારે અન્ય ૬૭ જગ્યાએ આવા અત્યાધુનિક ટૉઇલેટ બનાવવાનું પ્લાનિંગ છે.