વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ડામરનાં થીગડાં બન્યાં ટૂ-વ્હીલરવાળાઓ માટે ખતરાની ઘંટી

30 November, 2021 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસા બાદ ખાડાને પુરવા એવા ઉબડખાબડ ડામરના પૅચ માર્યા છે જેને લીધે ઍક્સિડન્ટનો ખતરો વધ્યો હોવાની ફરિયાદ

૨૭ નવેમ્બરે સાન્તાક્રુઝ ફ્લાયઓવર પરનાં ડામરનાં થીગડાં

દહિસર અને બાંદરા વચ્ચેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના ફ્લાયઓવર્સને રિપેર કરવામાં આવ્યા હોવા છતાં ટૂ-વ્હીલર્સ ચલાવનારાઓએ ફરિયાદ કરી છે કે આ સમારકામ ડામરનાં ઉબડખાબડ થીગડાં મારીને કરવામાં આવ્યું હોવાથી રસ્તા વધુ જોખમી બન્યા છે.
અમેય સાવંત નામના પ્રવાસીએ 
‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ડબ્લ્યુઈએચ)ની સ્થિતિ ચોમાસા પછી સુધરી છે એ સાચું, પણ કેટલાક ફ્લાયઓવર્સ પર મારવામાં આવેલાં થીગડાં ચિંતા જન્માવે છે. આ થીગડાં બાકીના રોડ સાથે સમથળ નથી. ફ્લાયઓવર પર આરે મિલ્ક કૉલોનીથી સાન્તાક્રુઝ જતી વખતે મેં દક્ષિણ અને ઉત્તર તરફના માર્ગો પર આ થીગડાં જોયાં. એના પર બાઇક લપસવાની અને ચાલકના જીવનું જોખમ સર્જાવાની શક્યતા છે.’
હવે વાહનચાલકો તથા મોટરચાલકોમાં સમગ્ર ફ્લાયઓવરને રિપેર કરીને એને સમથળ કરવાની માગ ઊઠી છે.
‘ફ્લાયઓવર્સ કે હાઇવે પર રોડનું રિપેરિંગ આખા રોડની સપાટી એકસમાન રહે એ રીતે થવું જોઈએ જેથી દ્વિચક્રી વાહનો લપસી ન પડે,’ એમ બાઇકચાલક પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું.
કારચાલકોએ ડબ્લ્યુઈએચને નવો ઓપ આપવાની માગણી કરી છે અને એમએમઆરડીએએ આ માટેની યોજના પણ ઘડી કાઢી છે.
ઉપરાંત હાઇવે પર કેટલાંક સ્થળોએ ક્રેશ બેરિયર્સ પણ નથી. ડબ્લ્યુઈએચ દહિસરને બાંદરા સાથે જોડતો મહત્ત્વનો માર્ગ છે અને અમદાવાદ, થાણે ઘોડબંદર રોડ, મીરા રોડથી દક્ષિણ મુંબઈ અને બાંદરા આવતા લોકો તેનો ઉપયોગ કરે છે.

mumbai mumbai news western express highway